Champions Trophy 2025 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિ ફાઇનલ મેચ મંગળવારે દુબઇમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે અને હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. આ નોકઆઉટ મેચમાં ભારતના દરેક બેટ્સમેન સારો દેખાવ કરે તેવી અપેક્ષા તો બધા જ રાખશે, પરંતુ બધાની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે કારણ કે તેઓ ટીમના સૌથી અનુભવી ખેલાડી છે.
આમ જોવા જઈએ તો આઈસીસી નોકઆઉટ મેચોની વાત કરીએ તો ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બધાથી આગળ છે અને સૌથી વધુ રન પણ તેના નામ પર છે. જ્યારે રોહિત શર્મા પણ તેનાથી ઓછો નથી. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં બીજા નંબર પર છે. કોહલીનું બેટ નોકઆઉટ મેચોમાં સારી રીતે ચાલે છે.
કોહલીના નામે સૌથી વધુ રન
આઇસીસીની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો કોહલી પ્રથમ સ્થાને છે અને તેણે અત્યાર સુધીમાં 52.16ની પ્રભાવશાળી એવરેજ સાથે 939 રન બનાવ્યા છે. રોહિત શર્મા 43.33ની એવરેજથી 780 રન સાથે બીજા ક્રમે છે. આ સિવાય આ લિસ્ટમાં પૂર્વ કાંગારુ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પર છે, જેમણે 45.68ની એવરેજથી 731 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – શમા મોહમ્મદ કોણ છે? જેણે રોહિત શર્મા પર કરી ટિપ્પણી, થઇ ગઇ બબાલ
આ લિસ્ટમાં ચોથા નંબર પર ભારતનો પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર છે, જેમણે આઈસીસી નોકઆઉટ મેચોમાં 50.53ની એવરેજથી 657 રન બનાવ્યા હતા. કુમાર સંગાકારા 39.67ની એવરેજથી 595 રન બનાવીને આ યાદીમાં પાંચમા ક્રમે છે. એટલે કે ટોપ 5 બેટ્સમેનોની આ યાદીમાં ભારતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
જો વિરાટ કોહલી કાંગારૂ ટીમ સામે 61 રન બનાવશે તો તે આઇસીસી નોકઆઉટ મેચોમાં 1000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે.
આઈસીસી નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેન
- વિરાટ કોહલી – 939 રન
- રોહિત શર્મા – 780 રન
- રિકી પોન્ટિંગ – 731 રન
- સચિન તેંડુલકર – 657 રન
- કુમાર સંગાકારા – 595 રન