Champions Trophy 2025 : ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. કોહલીએ વન-ડેમાં 51મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82મી સદી ફટકારી છે. કોહલીએ તેની ઈનિંગ દરમિયાન ઈતિહાસ રચી દીધો છે અને હવે તે પાકિસ્તાન સામેની આઇસીસી વન ડે ટૂર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીએ રોહિત શર્માને પાછળ રાખ્યો
વિરાટ કોહલીની આ ઈનિંગ દરમિયાન તે ભારત તરફથી પાકિસ્તાન સામે આઈસીસી વનડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કોહલીએ પાકિસ્તાન સામે અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 383 રન બનાવ્યા છે અને આ મામલામાં નંબર 1 રહેલા રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ પાકિસ્તાન સામેની આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 7 ઇનિંગ્સમાં 370 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન સામેની આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય પ્લેયર
- 383 રન – વિરાટ કોહલી (9 ઇનિંગ્સ)
- 370 રન – રોહિત શર્મા (7 ઇનિંગ્સ)
- 321 રન – સચિન તેંડુલકર (6 ઇનિંગ્સ)
- 248 રન – રાહુલ દ્રવિડ (4 ઇનિંગ્સ)
- 210 રન – શિખર ધવન (4 ઇનિંગ્સ)
- 156 રન – સુરેશ રૈના (3 ઇનિંગ્સ)
આ પણ વાંચો – વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ માઇલસ્ટોન, સચિન તેંડુલકરથી નીકળી ગયો આગળ
કોહલીએ તેંડુલકરની બરાબરી કરી
આઇસીસી વન ડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50 પ્લસ ઇનિંગ્સ ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી સચિન તેંડુલકર સાથે પ્રથમ ક્રમે આવી ગયો છે. કોહલીએ અત્યાર સુધી 23 વખત આવી સિદ્ધિ મેળવી છે, જ્યારે સચિને પણ 23 વખત આ સિદ્ધિ મેળવી છે. કોહલી અત્યાર સુધીમાં 51 ઇનિંગ્સમાં 23 વખત 50 પ્લસ ઇનિંગ્સ રમી ચૂક્યો છે જ્યારે સચિન તેંડુલકરે 58 ઇનિંગ્સમાં 23 વખત આવી સિદ્ધિ નોંધાવી છે.
આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટ્સ (ઇનિંગ્સ)માં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેનો
- 23 – વિરાટ કોહલી (51 ઇનિંગ્સ)
- 23 – સચિન તેંડુલકર (58)
- 18 – રોહિત શર્મા (40)
- 17 – કુમાર સંગાકારા (40)
- 16 – રિકી પોન્ટિંગ (60)





