ભારતીય મહિલા ટીમનો આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું રન આઉટ થવું મેચમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું હતું. હરમનપ્રીત કૌર આ રીતે આઉટ થતા આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2019માં મહેન્દ્રસિંહ ધોનીના રન આઉટની યાદ તાજા થઇ ગઇ છે.
2019ના વર્લ્ડ કપમાં એમએસ ધોનીના રન આઉટ થયા પછી ભારતે સેમિ ફાઇનલ મેચ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલ મેચમાં ધોની અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. આ વખતે પણ આવું જ થયું હતું અને ફરી કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા છે. ખાસ વાત એ છે કે ધોનીની જેમ હરમનપ્રીતે પણ અડધી સદી ફટકારી હતી.
ધોની અને હરમનપ્રીત કૌરનો જર્સી નંબર 7
આ સિવાય એમએસ ધોની અને હરમનપ્રીત કૌરનો જર્સી નંબર પણ 7 જ છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં હરમનપ્રીતના રન આઉટ થયા પછી ટ્વિટર પર એમએસ ધોની અને જર્સી નંબર 7 ટ્રેન્ડ થયો હતો. આઈસીસીએ પણ વન-ડે વર્લ્ડ કપ 2019માં ધોની અને મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023માં હરમનપ્રીત કૌરના રન આઉટ થવાનો કમ્બાઇન્ડ વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો – મહિલા ટી-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનું સપનું રોળાયું, સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય
હરમનપ્રીત કૌર અનલકી રહી
હરમનપ્રીત કૌરે 15મી ઓવરના પ્રથમ બોલે ફોર ફટકારી હતી. પછી બીજા બોલે ફોર ફટકારી અડધી સદી પુરી કરી હતી. ત્રીજો બોલ ડોટ રમ્યો હતો. જોર્જિયા વારેહમના ચોથા બોલ પર હરમનપ્રીતે ડીપ મિડવિકેટની દિશામાં સ્વીપ કર્યું અને પ્રથમ રન પુરો કર્યા હતા અને તે બીજો રન પણ આસાનાથી પુરો કરશે તેમ લાગતું હતું. જોકે તેનું બેટ અટકી ગયું હતું. ઓસ્ટ્રેલિયાને ભાગ્યનો સાથ મળ્યો અને હરમનપ્રીતે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
ન્યૂઝીલેન્ડ સામે 50 રન બનાવી રન આઉટ થયો હતો ધોની
2019ના વન-ડે વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારતને 240 રનનો પડકાર મળ્યો હતો. ધોનીએ લોકી ફર્ગ્યુસનની 49મી ઓવરના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી હતી. બીજો બોલ ડોટ બોલ રહ્યો હતો. ત્રીજા બોલ પર ધોનીએ શોટ લગાવ્યા પછી આસાનીથી પહેલો રન પુરો કર્યો હતો. જોકે બીજો રન પુરો કરવાના પ્રયત્નમાં થોડાક ઇંચ દૂર રહી ગયો હતો અને માર્ટિન ગુપ્ટિલનો ડાયરેક્ટ થ્રો સ્ટમ્પ પર લાગ્યો હતો અને ધોનીએ પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.