Cricket new fielding law change: ક્રિકેટના નિયમો બનાવતી મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ ‘બન્ની હોપ’ એટલે કે બાઉન્ડ્રી લાઇનની બહાર ઘણી વખત હવામાં ઉછાળીને કેચ કરવાને ગેરકાયદે માન્યું છે. તેને લઇને નવા નિયમો આ મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની પ્લેઇંગ કન્ડિશન અને આવતા વર્ષે ઓક્ટોબરથી એમસીસીના નિયમોમાં સામેલ કરવામાં આવશે.
આ નવા નિયમના અમલ બાદ બીબીએલ 2023 દરમિયાન માઇકલ નેસર અને 2020માં મેટ રેનશોની મદદથી ટોમ બેન્ટન દ્વારા લેવામાં આવેલા શાનદાર કેચ માન્ય ગણાશે નહીં. આઇસીસીએ આ અંગે તેના સભ્ય બોર્ડને એક ચિઠ્ઠી મોકલી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલના નિયમ અનુસાર કેટલાક શાનદાર કેચ જોવા મળ્યા હતા, પણ આ નિયમને કારણે કેટલાક અસામાન્ય કેચને પણ કાયદેસર ગણવામાં આવતા હતા, જે મોટાભાગના ક્રિકેટ ચાહકોને અયોગ્ય લાગતા હતા.
શા માટે થયો વિવાદ
નેસરે લીધેલા કેચનો ઉલ્લેખ કરતાં એમસીસીએ કહ્યું કે બાઉન્ડ્રીની અંદર કેચ પુરો કરતાં પહેલા ફિલ્ડરે ‘બન્ની હોપ’ કરી હતી. જોકે નિયમ અનુસાર તે વખતે તે યોગ્ય હતું, પણ એવું લાગતું હતું કે ફિલ્ડર બાઉન્ડ્રી લાઇનથી ઘણો આગળ નીકળી ગયો છે. આ બંને ઘટનાઓએ નવી ચર્ચા જગાવી હતી, જે પછી આઇસીસી અને એમસીસીએ તેમના નિયમ 19.5.2ની સમીક્ષા કરવી પડી હતી.
શું છે ‘બન્ની હોપ’ કેચ?
એમસીસીએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ ફિલ્ડરે બાઉન્ડ્રી લાઈન પાર કર્યા બાદ બોલ સાથે બીજો સંપર્ક કરવા માટે રમતના મેદાન પર આવવું પડશે નહિતર તેને બાઉન્ડ્રી ગણવામાં આવશે. નોટમાં કહેવામાં આવ્યું છે કે એમસીસીએ તેને નવો શબ્દ ‘બન્ની હોપ’ આપ્યો છે, જે હવે ગેરકાયદેસર માનવામાં આવશે. પરંતુ આવા કેચમાં ફિલ્ડર બોલને બાઉન્ડ્રી લાઇનની અંદર ફેંકીને બહાર નીકળી જાય છે અને પછી તેને બાઉન્ડ્રી લાઇનની અંદર કેચ કરે છે, તો આ પ્રકારનો કેચ માન્ય ગણાશે.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સ્કોર અપડેટ
નિયમો ક્યારે અમલમાં આવશે?
આ નવા નિયમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રના પ્રારંભથી અમલમાં આવશે, જેની પ્રથમ મેચ 17મી જૂનથી ગાલેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. નિયમોમાં ફેરફાર ઓક્ટોબર 2026થી સત્તાવાર રીતે લાગુ થશે.