દાનિશ માલેવરે દુલીપ ટ્રોફીમાં શુક્રવારે સેન્ટ્રલ ઝોન માટે ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટમાં બેવડી સદી નોંધાવનાર પ્રથમ વિદર્ભ બેટ્સમેન બન્યો છે. તેણે બેંગલુરુમાં નોર્થઈસ્ટ ઝોન સામે બીજા દિવસની રમતની શરૂઆતમાં જ ઝડપી સમયમાં બેવડી સદી નોંધાવી છે.
વિદર્ભના આ યુવા ખેલાડીએ માત્ર 220 બોલમાં 36 ચોગ્ગા અને એક સિક્સ સાથે 200 રન બનાવ્યા હતા. આ મેચમાં તે 203 રન બનાવીને નિવૃત્ત થયો હતો. થોડા સમય પહેલા જ તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં માત્ર 16 ઇનિંગ્સમાં 1000 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડીની યાદીમાં સ્થાન પામ્યો હતો.
અગાઉની મેચમાં સેન્ટ્રલ ઝોને બેંગલુરુમાં નોર્થ ઇસ્ટ ઝોન સામે 77 ઓવરમાં 2 વિકેટે 432 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો , જેમાં દાનિશ માલેવારના અણનમ 198 રન હતા. કેપ્ટન રજત પાટીદારે 96 બોલમાં ઝડપી 125 રન અને ઓપનર આર્યન જુયાલે 60 રનનું યોગદાન આપ્યું હતું.
બ્લોકબસ્ટર રણજી ટ્રોફી સીઝન 2024 ની રણજી ટ્રોફીમાં માલેવારનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. તેણે પહેલા સેમિફાઇનલમાં 79 અને 29 રનના સ્કોર સાથે પ્રભાવ પાડ્યો હતો. જેના કારણે વિદર્ભ ટીમે મુંબઈની મજબૂત ટીમ સામે 80 રનથી મહત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો. કેરળ સામેની ફાઇનલમાં તેની 153 અને 73 રનની સનસનાટીભરી ઇનિંગ્સ પણ નોંધપાત્ર રહી હતી.
દાનિશ માલેવર સ્ટેટ્સ (Danish Malewar Stats)
- સેન્ટ્રલ ઝોન તરફથી રમતાં દુલીપ ટ્રોફી 2025ની 28 ઓગસ્ટ,2025થી શરુ થયેલી ઉત્તર પૂર્વ ઝોન સામેની ડેબ્યૂ મેચમાં બીજા દિવસે 203 રન બનાવી રિટાયર્ડ આઉટ થયો.
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં 9 મેચમાં 15 ઇનિંગ્સમાં 51.34 સ્ટ્રાઇક રેટ સાથે 783 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 6 અર્ધ સદી ફટકારી છે. તેણે 95 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા છે.
દાનિશ માલેવર ઉંમર (Danish Malewar Age)
વિદર્ભ ખેલાડી દાનિશ માલેવરનો જન્મ 8 ઓક્ટોબર, 2003 માં નાગપુર ખાતે થયો હતો. હાલમાં તે 21 વર્ષનો છે. તે રાઇટ હેન્ડ બેટ્સમેન અને બેગબ્રેક બોલિંગ નાંખે છે. તે વિદર્ભ ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે.
દાનિશ માલેવર પિતા (Danish Malewar father)
દાનિશમાલેવરના પિતા વિષ્ણુ જે ક્રિકેટના મોટા ચાહક હતા. તેમણે લગ્ન કરતી વખતે નક્કી કર્યું હતું કે જો તેમને દીકરો થશે તો તેઓ તેને ક્રિકેટર બનાવશે. નિમ્ન-મધ્યમ વર્ગના હોવાથી તેના પિતા એ પણ જાણતા હતા કે આ ઘણું મુશ્કેલ હશે.
દાનિશ માલેવરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા પિતા હંમેશા ઇચ્છતા હતા કે હું ક્રિકેટર બનું અને હું સાત વર્ષનો હતો ત્યારે મને એકેડેમીમાં પ્રવેશ અપાવ્યો હતો. તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ મારી ક્રિકેટની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. એવા લોકો હતા જેઓ મારા જુનિયર દિવસોમાં જ્યારે હું રન બનાવતો ત્યારે મને બેટ, પેડ અને ગ્લોવ્ઝ આપતા હતા. મારા અંડર-19 પછી જ ઘરમાં પૈસા આવવા લાગ્યા.