Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી આ વખતે નવા ફોર્મેટમાં યોજાવાની છે. આ વખતે તે ઝોનલ ફોર્મેટમાં યોજાશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ બુધવારે (14 ઓગસ્ટ) 4 ટીમોની જાહેરાત કરી હતી. 4 ટીમોમાં 61 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પસંદ કરેલાં નામો ઘણા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભારતની ટેસ્ટ ટીમની પસંદગી માટે દુલીપ ટ્રોફીનો આધાર રહેશે.
આવી સ્થિતિમાં આ 61 નામોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ 4 ટીમમાં બે ખેલાડીઓની પસંદગી ન થતા આશ્ચર્ય ફેલાયું છે. આ બંને ખેલાડીઓ રિંકુ સિંહ અને સંજુ સેમસન છે.
જો ભારતીય ટીમની પસંદગી થવાની હોય તો બરાબર છે કે માત્ર 15 ખેલાડીઓની જ પસંદગી કરવાની હોય છે. પરંતુ 61 ખેલાડીઓની પસંદગી થઇ તેમાં પણ સંજુ સેમસન અને રિંકુ સિંહ સિલેક્ટ થયા નથી. આથી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું રિંકુ સિંહ અને સંજૂ સેમસન ટેસ્ટ ક્રિકેટ રમવા માટે લાયક નથી ? તેનો જવાબ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના ફર્સ્ટ ક્લાસ આંકડાથી જ આપવામાં આવશે. ડોમેસ્ટીક ક્રિકેટમાં રિંકુ સિંહ ઉત્તર પ્રદેશથી અને સંજુ સેમસન કેરળથી રમે છે.
રિંકુ સિંહના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આંકડા
રિંકુ સિંહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 47 મેચોની 69 ઇનિંગમાં 54.70ની એવરેજથી 3173 રન બનાવ્યા છે. તેણે 7 સદી અને 20 અડધી સદી ફટકારી છે. તે છેલ્લે ફેબ્રુઆરી 2024માં રણજી ટ્રોફીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો હતો. આંધ્ર સામે ઉત્તર પ્રદેશની ટીમે 198 રન બનાવ્યા હતા.
રિકુ 26 રન કર્યા હતા. જાન્યુઆરી 2024માં કેરળ સામે તેણે 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 2018-19ની રણજી ટ્રોફીમાં તેણે ઉત્તર પ્રદેશને અનેક વખત વિજય અપાવ્યો હતો અને 105.88ની એવરેજથી 953 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચો – દુલીપ ટ્રોફી માટે ચાર ટીમોની જાહેરાત, રોહિત શર્મા, વિરાટ કોહલી નહીં રમે
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સંજુ સેમસનના આંકડા
સંજુ સેમસન 2011થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે અને તે અત્યાર સુધી ભારત માટે એક પણ ટેસ્ટ રમી શક્યો નથી. દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોની બાદ રિદ્ધિમાન સાહા અને ઋષભ પંતને પ્રાધાન્ય મળ્યું હતું. આ દરમિયાન સંજુ પર એક પણ વાર વિશ્વાસ કરવામાં આવ્યો ન હતો.
તેણે 62 મેચોની 102 ઇનિંગ્સમાં 38.54ની એવરેજથી 3623 રન બનાવ્યા છે. 10 સદી અને 16 અડધી સદી ફટકારી છે. 211નો સ્કોર તેનો સર્વોચ્ચ સ્કોર છે. તે છેલ્લે ફેબ્રુઆરી 2024માં રણજી મેચ રમ્યો હતો. તેણે બંગાળ સામે 8 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં તેની બેટિંગ આવી ન હતી.