ED Summons Yuvraj Singh : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કથિત ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી.
ઉથપ્પાને 22 સપ્ટેમ્બર અને યુવરાજને 23 સપ્ટેમ્બરે બોલાવ્યા
વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા અને અભિનેતા સોનુ સૂદ ને પ્લેટફોર્મ ‘1એક્સબેટ’ સાથે સંબંધિત કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આવતા અઠવાડિયે તેમના નિવેદનો નોંધવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રોબિન ઉથપ્પાને 22 સપ્ટેમ્બરના રોજ પોતાનું નિવેદન નોંધવા કહેવામાં આવ્યું છે. યુવરાજ સિંહને 23 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યો છે, જ્યારે સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ રૈના અને ધવનની પણ પૂછપરછ કરી છે
કેન્દ્રીય તપાસ એજન્સીએ છેલ્લા કેટલાક સપ્તાહમાં પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરી છે. સોમવારે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે બંગાળી અભિનેતા અંકુશ હાઝરા મંગળવારે આ કેસમાં તેમના નિર્ધારિત સમન્સ પર ઇડી સમક્ષ હાજર થયો હતો, જ્યારે 1એક્સબેટ ની ભારતના બ્રાન્ડ એમ્બેસેડર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા મંગળવારે નિર્ધારિત તારીખે હજી સુધી હાજર થઇ નથી.
આ પણ વાંચો – એશિયા કપ જીતવા પર ACC ચીફ મોહસિન નકવી પાસેથી ટ્રોફી નહીં લે ટીમ ઇન્ડિયા?
કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સાથે સંબંધિત છે તપાસ
તપાસ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્લિકેશન સાથે સંબંધિત છે. એવું કહેવામાં આવ્યું છે કે એપ ઓપરેટિંગ કંપનીએ ઘણા લોકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે અથવા મોટી રકમમાં કરચોરી કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, 1એક્સબેટ એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સટ્ટાબાજીની એપ્લિકેશન છે જે 18 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બ્રાન્ડના ગ્રાહકો હજારો સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર દાવ લગાવી શકે છે અને કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે.