Express Adda: ઈન્ડિયન એક્સપ્રેસના ખાસ કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ભારતીય ટી 20 ક્રિકેટ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યો હતો. આ દરમિયાન ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા અને ડેપ્યુટી એસોસિએટ એડિટર દેવેન્દ્ર પાંડે સાથે ખાસ વાતચીત કરી હતી.
પત્નીનો નંબર કયા નામથી સેવ છે
જ્યારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે તેણે પોતાની પત્નીનો નંબર કયા નામથી સેવ કર્યો છે. ત્યારે સૂર્યકુમાર યાદવે જવાબ આપ્યો કે તે હંમેશા પડદા પાછળ રહી છે અને જાહેરમાં સામે આવવાનું પસંદ કરતી નથી. મેં તેનો નંબર મારા ફોનમાં ‘મારા જીવનનો સૌથી સારો નિર્ણય’ (‘Best decision of my life’) તરીકે સેવ કર્યો છે.
પત્નીએ તેને ક્રિકેટર બનવાની પ્રેરણા આપી
સૂર્યકુમાર યાદવે ક્રિકેટર બનવા વિશે વાત કરતા કહ્યું હતું કે મારી પત્નીએ આમાં મોટી ભૂમિકા ભજવી છે. તે જાણતી હતી કે હું ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છું અને જ્યારે અમે ડેટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ તે તેના પર નજર રાખતી હતી. તેણે કહ્યું કે તમે સારા સ્તર પર રમી રહ્યા છો પરંતુ આગળ શું. જ્યારે મેં કહ્યું કે હું ભારત માટે રમવા માંગુ છું, ત્યારે તેણે કહ્યું હતું કે શું તમે આવી રીતે જ રમશો.
આ પણ વાંચો – વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે લેશે નિવૃત્તિ? ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો
તે પછી મેં પોતાના સમયને મેનેજ કરવા પર કામ કરવાનું શરૂ કર્યું. મોડી રાત સુધી જાગવાનું ઘટાડ્યું અને તેણે કહ્યું કે સોમવારથી શુક્રવાર સુધી સખત મહેનત કરો તેમજ શનિવાર અને રવિવારે વિરામ લો. તમારા પરિવાર સાથે સમય વિતાવો, મારી સાથે સમય વિતાવો. ધીમે ધીમે જેમ કોઇ વિમાન ઉડાન ભરે છે તેવી રીતે ક્રિકેટ પણ ઉડાન ભરવા લાગ્યું.
જો હું ક્રિકેટર ન હોત તો બિઝનેસમેન બન્યો હોત
સૂર્યકુમાર યાદવે કહ્યું કે મેં ક્યારેય ક્રિકેટર બનવાનું વિચાર્યું ન હતું પરંતુ મને હંમેશા લાગતું હતું કે હું એક સારો બિઝનેસમેન બની શકું છું. મારા માતાપિતાને પણ લાગ્યું કે મારી પાસે તેના માટે પૂરતી બુદ્ધિ છે. મેં બીજાઓને પણ બિઝનેસ કરવાની સલાહ આપી છે. તેથી જો હું ક્રિકેટ ન રમ્યો હોત તો બિઝનેસમાં ગયો હોત. તેણે કહ્યું કે ક્રિકેટ બાદ તેને સૌથી વધુ પિકલબોલ રમવાનું પસંદ છે.