નિહાલ કોશી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI)પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે જાતીય સતામણીની સાત ફરિયાદો નોંધાઈ છે. આ જ કેસમાં ચાર રાજ્યોના 125 લોકોના સાક્ષીઓ પણ નોંધવામાં આવ્યા છે. તેમાંથી એક છે કોમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ કુસ્તીબાજ અનિતા, જેણે ફરિયાદીની તરફેણમાં જુબાની આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે બ્રિજ ભૂષણ સિંહે તેની સાથે એક જ રૂમમાં રહેતી યુવતીની છેડતી કરી હતી.
અનિતાએ 2010માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં ફરિયાદીની રૂમ-મેટ રહી ચૂકેલી 38 વર્ષીય અનિતાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રેસલરે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાંથી તે ઘરે ન ગઈ અને સીધી જ પટિયાલા કેમ્પમાં આવી ગઈ. જે શહેરમાં આ સ્પર્ધા યોજાઈ હતી ત્યાંથી તેણે મને ફોન કર્યો હતો. તેણે મને ફોન પર કહ્યું હતું કે દીદી આવું થયું છે, હું આવીને તમને કંઈક કહીશ. અહીંનું કામ ખૂબ જ ખરાબ છે.
જ્યારે ફરિયાદ કરનારી રેસલર પટિયાલામાં અનિતાને મળી તો તેણે પોતાની આપવીતી સંભળાવી હતી. અનિતાએ કહ્યું કે તેણે મને કહ્યું હતું કે સ્પર્ધા પુરી થયા પછી તે તેના રૂમમાં ગઈ હતી. ત્યારે ફિઝિયોનો ફોન આવ્યો કે પ્રેસિડેન્ટ સાહેબ (બ્રિજભૂષણ સિંહ)તમને મળવા માંગે છે. તે ડરી ગઈ હતી કારણ કે પહેલા પણ તે તેને ફોન પર પરેશાન કરતો હતો. ત્યારે તેને તે કહેતો હતો કે હું તમને પ્રોટીન (સપ્લિમેન્ટ્સ) આપીશ જો તે યુવતી સેક્સુઅલ ફેવર આપશે. તે પહેલેથી જ અસ્વસ્થ હતી. તેણે મને જે કહ્યું કે જ્યારે તે રૂમમાં પહોંચી ત્યારે તે દૂર બેઠી હતી. પરંતુ તેમણે કહ્યું કે અરે આવું કેમ કરી રહી છે, તું મારી દીકરી જેવી છે, નજીક આવ. તે તેની બાજુમાં જઈને બેઠી અને અચાનક જ તે તેને જોરથી ભેટી પડ્યો હતો. તે ઘટના પછી તે ખૂબ ડરી ગઈ હતી. અનિતાએ કહ્યું કે જ્યારે તે ત્યાંથી પાછી ફરી ત્યારે તેણે જે બન્યું હતું તે વર્ણવ્યું અને તે રડી પડી હતી.
અનિતાએ આગળ કહ્યું કે આ ઘટના પહેલા પણ બ્રિજભૂષણ શરણ સિંહ તેને ફોન કરીને હેરાન કરતો હતો. તે કહેતો હતો કે અમે તમને મદદ કરીશું, મારી સાથે વાત કર. તે તેને બોલાવતો હતો અને વાત કરવાનો પ્રયાસ કરતો હતો. શરૂઆતમાં બ્રિજભૂષણ પોતે ફોન કરતા હતા પરંતુ પછી ફિઝિયો ફોન કરીને કહેતા હતા કે પ્રેસિડેન્ટ સાહેબ તમારા વિશે પૂછે છે. પ્રમુખ તમારા માટે કંઈ પણ કરશે. તે ખૂબ જ અસહજ અને અસ્વસ્થ હતી. એક એસોસિયેશનના પ્રમુખ શા માટે કોઈ છોકરીને આટલી બધી વાર ફોન કરે છે?
આ પણ વાંચો – આંદોલનથી પાછળ હટવાના સમાચાર પર સાક્ષી મલિકે કહ્યું – હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું, અમારી લડાઈ યથાવત્ છે
આવી સ્થિતિમાં અનિતાએ છોકરીને કહ્યું કે આ બધી વાતોને ઈગ્નોર કરીને ફોન ન ઉપાડો. અનીતાએ કહ્યું કે જો તેની મિત્રએ અવાજ ઉઠાવ્યો હોત તો તેની કારકિર્દીનો અંત આવી ગયો હોત. અનીતાએ જણાવ્યું કે તે સમયે કેમ્પમાં પીરસવામાં આવતા ખરાબ ભોજનની ફરિયાદ કરવાની કોઈનામાં હિંમત ન હતી, તેથી કોઈ જાતીય શોષણની ફરિયાદ કરવાનું વિચારી પણ શકતું ન હતું. તેની ફરિયાદમાં પીડિતાએ કહ્યું છે કે તેને આઘાત લાગ્યો હતો કારણ કે તેણીએ તેના વરિષ્ઠ (અનિતા) ને તેના ગોલ્ડ મેડલ જીતવાની રાત્રે બ્રિજ ભૂષણના બળજબરીથી આલિંગનની ઘટના વર્ણવી હતી.
21 મી એપ્રિલે એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજોએ દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ડબ્લ્યુએફઆઈના પ્રમુખ સામે જાતીય સતામણી અને ગુનાહિત ધાકધમકીની અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે પોલીસ એફઆઈઆર નોંધી રહી નથી. ત્યાર બાદ પોલીસે બે એફઆઈઆર નોંધી હતી.
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી બે એફઆઈઆરમાં બ્રિજભૂષણે વ્યાવસાયિક સહાયના બદલામાં જાતીય તરફેણની માંગ કરી હોવાના ઓછામાં ઓછા બે કિસ્સાઓ બન્યા છે. જાતીય સતામણીની લગભગ 15 ઘટનાઓ જેમાં અયોગ્ય સ્પર્શ, છેડતીના 10 આરોપોનો સમાવેશ થાય છે. જેમાં સ્તનો પર હાથ ફેરવવા, નાભિને સ્પર્શવાનો, પીછો કરવા સહિત ધાકધમકીના અનેક કિસ્સાઓનો સમાવેશ થાય છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





