Fifa World Cup 2022 :ફિફા વર્લ્ડ કપ 2022માં ત્રીજા જ દિવસે મોટો અપસેટ સર્જાયો છે. લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાનો પ્રથમ મેચમાં સાઉદી અરબ સામે 2-1થી પરાજય થયો છે. આર્જેન્ટિના તરફથી એકમાત્ર ગોલ મેસ્સીએ પેનલ્ટી કિકથી કર્યો હતો. સાઉદી અરબ તરફથી સાલેહ અલશેહરી અને સલેમ અલડસારીએ 1-1 ગોલ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ સમય સુધી ગોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી ન હતી.
ઇતિહાસમાં પ્રથમ વખત આર્જેન્ટિનાનો સાઉદી અરબ સામે પરાજય
મેચની 10મી મિનિટમાં મેસ્સીએ પેનલ્ટી કિકથી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. પ્રથમ હાફમાં પાછળ રહ્યા પછી સાઉદી અરબે બીજા હાફમાં શરૂઆતથી જ પ્રહાર કર્યો હતો. 48મી મિનિટે અલ બુરેકનના શાનદાર પાસ પર સાલેહ અલશેહરીએ ગોલ કર્યો હતો. આ પછી 53મી મિનિટમાં સલેમ અલડસારીએ શાનદાર ગોલ કર્યો હતો. ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ વખત આર્જેન્ટિનાનો સાઉદી અરબ સામે પરાજય થયો છે. આ પહેલા બન્ને વચ્ચે 4 મુકાબલા થયા હતા. જેમાં આર્જેન્ટિનાનો 2 મેચમાં વિજય થયો હતો. જ્યારે 2 મેચ ડ્રો રહી હતી.આ જીત સાથે સાઉદી અરબે સાબિત કરી દીધું છે કે એશિયન ક્વોલિફાઇંગમાંથી વર્લ્ડ કપમાં સ્થાન બનાવવું કોઇ તુક્કો ન હતો.
આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપ 2022: ઇરાનની ટીમે ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ના ગાયું પોતાનું રાષ્ટ્રગાન, જાણો કારણ
મેસ્સીના ગોલ પછી આર્જેન્ટિના તરફથી લોટારો માર્ટિનેજે બીજો ગોલ કર્યો હતો. જોકે રેફરીએ તેને ફગાવી દીધો હતો. વીએઆર ચેકમાં તે ઓફસાઇડ ગણાવ્યો હતો. આ પહેલા મેસ્સીનો પણ એક ગોલ ઓફસાઇડ થયો હતો.
મેસ્સીએ ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની બરાબરી કરી
વર્લ્ડ કપમાં ગોલ કરવાના મામલે મેસ્સીએ ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની બરાબરી કરી લીધી છે. મેસ્સીએ વર્લ્ડ કપમાં સાતમો ગોલ કર્યો છે. રોનાલ્ડોના સાત ગોલ છે.
મેસ્સીએ બનાવ્યો રેકોર્ડ
સાઉદી અરબ સામે મેચમાં ઉતરતા જ મેસ્સીએ પાંચ વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. મેસ્સીએ આ મેચમાં એક ગોલ કર્યો હતો. મેસ્સીનો વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સાતમો ગોલ છે. તે આર્જેન્ટિના તરફથી ચાર અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બની ગયો છે. તેણે 2006, 2014, 2018 અને 2022માં ગોલ કર્યા છે.