FIH Olympic Qualifier 2024: ભારતીય મહિલા હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ. FIH ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ત્રીજા-ચોથા સ્થાનની મેચમાં જાપાને ભારતીય મહિલા હોકી ટીમને 1-0થી હરાવી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી ભારતીય મહિલા હોકી ટીમની આ હારે ચાહકોના દિલ તોડી દીધા છે.
આ હારથી ભારતીય મહિલી ટીમનો પેરિસ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. આ સાથે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. મેચમાં જાપાન માટે કાના ઉરાતાએ છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ લીડ છેલ્લી ઘડી સુધી ચાલુ રહી જ્યારે ભારતીય ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. મેચમાં ભારતને નવ પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ એક પણ ગોલ કરી શક્યા ન હતા. અમેરિકા અને જર્મની પહેલાથી જ ફાઈનલમાં પહોંચીને ક્વોલિફાઈ કરી ચૂક્યા છે.
ભારતીય ટીમમાં અનુભવનો અભાવ : ધનરાજ પિલ્લે
ભારતની હાર પર 4 વખતના ઓલિમ્પિયન મહાન ફોરવર્ડ ધનરાજ પિલ્લેએ કહ્યું કે મહિલા હોકી ટીમમાં અનુભવી ખેલાડીઓની કમી છે. તેમને નથી લાગતું કે આ ટીમને વિદેશી કોચની જરૂર છે. ચાર ઓલિમ્પિક અને ચાર વર્લ્ડ કપ રમી ચુકેલા ધનરાજે કહ્યું કે, ‘છેલ્લા દોઢ વર્ષમાં મહિલા હોકી કોચને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી, પરંતુ 3-4 અનુભવી ખેલાડીઓ ટીમમાં પરત ફરવા માટે તરસી રહ્યા હતા. તેમને સિનિયર કહીને ટીમમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.’
વિદેશી કોચની જરૂર નથી ધનરાજ પિલ્લે
ટોક્યો ઓલિમ્પિકમાં ટીમની કેપ્ટન રહી ચૂકેલી રાની રામપાલનું નામ લીધા વિના ધનરાજ પિલ્લેએ કહ્યું, ‘આ છોકરીઓએ સ્થાનિક હોકી અને રાષ્ટ્રીય રમતોમાં સારું પ્રદર્શન કર્યું હતું. સિનિયર ખેલાડીઓને ટીમમાં રાખીને કેવી રીતે સારું પ્રદર્શન કરવું તે કોચના હાથમાં છે. તેમને તક આપ્યા વિના બહાર ફેંકી દેવું યોગ્ય ન હતું. તેનું પરિણામ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો | ગ્લેન મેક્સવેલે મેલબોર્ન સ્ટાર્સના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું, જાણો કેમ
મારી સાથે પણ આવું થયું : ધનરાજ પિલ્લે
તે ણે કહ્યું, ‘આ સમય જ હોય, જ્યારે જુનિયર ખેલાડીઓને માર્ગદર્શન આપવા માટે અનુભવી ખેલાડીઓ ટીમમાં હોવા જોઈએ. ફોરવર્ડ લાઇનમાં કોઈ તાલમેલ ન હતો. જોકે ટીમને વંદના કટારિયાની ગેરહાજરી નડી, જે ઈજાને કારણે બહાર હતી. મારી સાથે પણ એવું જ થયું જ્યારે 1998ની એશિયન ગેમ્સ પછી મારા સહિત સાત લોકોને બહાર કરવામાં આવ્યા પરંતુ હું વધુ છ વર્ષ રમ્યો હતો.





