scorecardresearch

ઇંગ્લેન્ડનો ક્રિકેટર ગૈરી બેલેન્સ હવે ઝિમ્બાબ્વે તરફથી રમશે, જાણો એવા ક્રિકેટર્સ વિશે જે બે દેશ તરફથી રમ્યા ક્રિકેટ

ગૈરી બેલેન્સ બે દેશ તરફથી રમનાર પ્રથમ ક્રિકેટર નથી. આ પહેલા પણ ક્રિકેટરો બે દેશ તરફથી રમી ચૂક્યા છે. અમે કેટલાક પ્રસિદ્ધ ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ. જે બે દેશો તરફથી રમ્યા છે

ઇંગ્લેન્ડનો ક્રિકેટર ગૈરી બેલેન્સ હવે ઝિમ્બાબ્વે તરફથી રમશે, જાણો એવા ક્રિકેટર્સ વિશે જે બે દેશ તરફથી રમ્યા ક્રિકેટ
ઇફ્તિખાર અલી ખાન પટૌડી (Wikimedia Commons), ઇયોન મોર્ગન (File) અને ટીમ ડેવિડ (Twitter/@surreycricket) બે દેશ તરફથી ક્રિકેટ રમ્યા છે

ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ગૈરી બેલેન્સને આયરલેન્ડ સામેની ત્રણ મેચોની ટી 20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેની ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે હાલમાં જ ઝિમ્બાબ્વે ક્રિકેટ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. 33 વર્ષીય બેલેન્સ 2014 અને 2017 વચ્ચે ઇંગ્લેન્ડ તરફથી 23 ટેસ્ટ અને 16 વન-ડે રમ્યો છે. તેની કાઉન્ટી ટીમ યોર્કશાયરે ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. આ પછી તેણે પોતે જે દેશમાં જન્મ થયો છે તે ઝિમ્બાબ્વે તરફથી રમવાનો નિર્ણય કર્યો હતો.

ગૈરી બેલેન્સ બે દેશ તરફથી રમનાર પ્રથમ ક્રિકેટર નથી. આ પહેલા પણ ક્રિકેટરો બે દેશ તરફથી રમી ચૂક્યા છે. અમે કેટલાક પ્રસિદ્ધ ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ. જે બે દેશો તરફથી રમ્યા છે.

ઇફ્તિખાર અલી ખાન પટૌડી (ઇંગ્લેન્ડ અને ભારત તરફથી)

ભારતના પૂર્વ કેપ્ટન મંસૂર અલી પટૌડીના પિતા અને સૈફ અલી ખાનના દાદા ઇફ્તિખાર અલી પટૌડી 1932 અને 1934માં ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા. તે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે ઓક્સફોર્ડ ગયા હતા, જ્યાં એક ક્રિકેટ સ્ટાર બની ગયા હતા. 1931ની સિઝનમાં 93ની એવરેજથી 1307 રન બનાવ્યા હતા. આ કારણે તેમને 1932માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયા હતા.

તેમને 1932ની પ્રસિદ્ધિ બોડીલાઇન એશિઝ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. જોકે તેમની કારકિર્દી વધારે ચાલી ન હતી. તેમનું ફર્સ્ટ ક્લાસ કેરિયર શાનદાર રહ્યું છે. 127 મેચમાં લગભગ 49ની એવરેજથી 8750 રન બનાવ્યા હતા.

આ સમયે ભારતીય ક્રિકેટ ત્યારે પા-પા પગલી ભરી રહ્યું હતું. પટૌડીની પ્રથમ વખત 1936ના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગી કરી હતી. જોકે સ્વાસ્થ્યના આધારે તે સામેલ થયા ન હતા. આ પછી તેમણે 1946માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તેમની બેટિંગ અને કેપ્ટનશિપ બન્નેની ટિકા થઇ હતી. ઇફ્તિખાર અલી ખાન ઇંગ્લેન્ડ અને ભારત બન્ને દેશોનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી બન્યા હતા.

ગુલ મોહમ્મદ, અબ્દુલ હફીઝ કારદાર, અમીર ઇલાહી (ભારત અને પાકિસ્તાન)

આ ત્રણ ક્રિકેટરો ભારત અને પાકિસ્તાન બન્ને દેશોનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી છે. આ ત્રણેયે 1940ના દાયકામાં ભારત તરફથી રમ્યા હતા પણ ભાગલા પછી પાકિસ્તાનની નાગરિકતા લીધી હતી અને તે દેશ તરફથી રમ્યા હતા.

કારદાર 1952 થી 1958 સુધી પાકિસ્તાનના પ્રથમ ટેસ્ટ કેપ્ટન હતા. તેમણે ટીમને તે સમયની દરેક ટેસ્ટ ટીમ સામે જીત અપાવવાની સિદ્ધિ મેળવી હતી. એક શાનદાર ઓલરાઉન્ડર હતા. તે ડાબોડી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી સ્પિન બોલિંગ કરતા હતા. પાકિસ્તાનના કેપ્ટન બન્યા પહેલા કારદારે 3 વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આમિર ઇલાહી લેગ બ્રેક બોલર હતા. જે ભારત તરફથી એક વખત અને પાકિસ્તાન તરફથી પાંચ વખત રમ્યા હતા. 1953માં કોલકાતામાં પોતાની અંતિમ ટેસ્ટ મેચમાં તે 44 વર્ષના હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 500થી વધારે પ્રથમ શ્રેણી વિકેટ ઝડપી હતી.

ગુલ મોહમ્મદ આક્રમક બેટ્સમેન હતા, જે 9 ટેસ્ટ રમ્યા હતા. આઠ ભારત તરફથી અને એક પાકિસ્તાન તરફથી. પોતાના યુગમાં એક શાનદાર ફિલ્ડર ગણાતા હતા. તેમણે 17 વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું અને બોમ્બે પેંટાંગુલરમાં પ્રથમ મેચમાં 95 રન બનાવ્યા હતા. તેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 33થી વધારેની એવરેજથી 5614 રન બનાવ્યા હતા.

કેપલર વેસલ્સ (ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા તરફથી)

કેપલર વેસલ્સને પોતાના દેશ દક્ષિણ આફ્રિકા તરફથી રમવાની ઓછી સંભાવના હતી, કારણ કે રંગભેદના કારણે દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પછી તે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને 1982માં ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. વેસલ્સે 1982 અને 1985 વચ્ચે 24 ટેસ્ટ મેચમાં 43ની એવરેજથી 1761 રન બનાવ્યા હતા. વન-ડેમાં 36થી વધારેની એવરેજ સાથે 1740 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કુલ 78 ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા.

1991માં રંગભેદની સમાપ્તિ સાથે દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ હટ્યો તો વેસલ્સને કેપ્ટન તરીકે બોલાવ્યા હતા. તેમણે નિવૃત્તિ પાછી ખેંચી લીધી અને દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંથી એક બની ગયા હતા. તે દક્ષિણ આફ્રિકા તરફથી 55 વન-ડે અને 16 ટેસ્ટ રમ્યા હતા.

ઇયોન મોર્ગન (આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ તરફથી)

ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગને 2006માં 16 વર્ષની ઉંમરમાં આયરલેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તે જલ્દી આયરલેન્ડનો સૌથી મોટો પ્રતિભા બની ગયો હતો. તે આયરલેન્ડ તરફથી 23 વન-ડે મેચ રમ્યો હતો. મોર્ગન આયરલેન્ડ તરફથી પ્રથમ શ્રેણીમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર હતો.

આ પછી તેણે 2009માં ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું. મોર્ગને ઇંગ્લેન્ડ તરફથી 16 ટેસ્ટ, 248 વન-ડે રમ્યો છે. તેણે વન -ડેમાં 40ની એવરેજથી રન બનાવ્યા છે.

ટીમ ડેવિડ (સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા)

ટીમ ડેવિડ હાલના સમયમાં ટી-20માં આક્રમક બેટ્સમેન છે. તેણે 2019માં સિંગાપુર તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં 14 મેચ રમ્યો. તેણે 46.5ની એવરેજથી 552 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયામાં કેટલાક વર્ષો ઘરેલુ સ્તર પર રમ્યા પછી 2022માં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સમાવેશ કરાયો હતો. હાલ ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યો છે. હાલમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં ડેવિડને મુંબઈ ઇન્ડિયન્સે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Web Title: Former english batter gary ballance to represent zimbabwe know some cricketers who switched national teams

Best of Express