World Cup 2023 : ભારતમાં 5 ઓક્ટોબરથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા તમામ લેજન્ડરી ક્રિકેટરો અનેક દાવા કરી રહ્યા છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ભારતને આ વખતે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને વર્લ્ડ કપ 2023 માટે બે ફાઇનલિસ્ટ ટીમોની પસંદગી કરી છે. ડેલ સ્ટેને આ નિર્ણય દિલ અને મગજ બંનેથી લીધો છે. તેમના દિલે દક્ષિણ આફ્રિકાને ફાઇનલિસ્ટ ગણાવ્યું છે, પરંતુ મને ભારત અને ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023ના ફાઇનલિસ્ટ ગણાવ્યા છે.
વર્લ્ડ કપ પહેલા સારા લયમાં દેખાઇ દક્ષિણ આફ્રિકાની ટીમ
સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ડેલ સ્ટેને કહ્યું છે કે તેનું દિલ ઇચ્છે છે કે સાઉથ આફ્રિકા ફાઇનલમાં પહોંચે, પરંતુ મન કહી રહ્યું છે કે 19 નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ રમાશે. જો ડેલ સ્ટેનની વાત પર ધ્યાન આપવામાં આવે તો સાઉથ આફ્રિકાને વર્લ્ડકપની ફાઈનલિસ્ટ ગણવું ખોટું નહીં ગણાય, કારણ કે આ ટીમે વર્લ્ડ કપ અગાઉ જ તેનું શાનદાર ફોર્મ દેખાડયું છે. દક્ષિણ આફ્રિકાએ 5 મેચની વન-ડે શ્રેણીમાં પ્રથમ બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને 3-2થી પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો – ડિ વિલિયર્સના મતે વિરાટ કોહલી નહીં પણ આ ભારતીય ક્રિકેટર વર્લ્ડ કપમાં બનાવશે સૌથી વધારે રન
દક્ષિણ આફ્રિકા શા માટે છે ફાઇનલની દાવેદાર?
ડેલ સ્ટેને એક નિવેદનમાં કહ્યું કે મારા માટે આ ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ હું દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં જોવા માંગુ છું. હું ઈચ્છીશ કે સાઉથ આફ્રિકા ફાઈનલ રમે કારણ કે અમારા ખેલાડીઓ આઇપીએલમાં નિયમિત રીતે રમતા રહ્યા છે, તેમને ભારતીય પરિસ્થિતિનો સારો અનુભવ છે. ડેવિડ મિલર અને હેનરિચ ક્લાસેન જેવા ખેલાડીઓ ભારતની પરિસ્થિતિઓને ખૂબ સારી રીતે જાણે છે. કાગિસો રબાડાએ પણ ભારતમાં ઘણી બોલિંગ કરી છે. તેથી મને લાગે છે કે અમારી ટીમમાં ફાઈનલમાં પ્રવેશવાની ક્ષમતા છે.
ભારત અને ઇંગ્લેન્ડને દાવેદાર માને છે
ડેલ સ્ટેને વધુમાં કહ્યું છે કે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ માટે ભારત પહેલી પસંદ છે, પરંતુ મારું દિલ દક્ષિણ આફ્રિકાને પણ ફાઇનલમાં જોવા માંગે છે. તેમણે કહ્યું કે હું માનું છું કે ભારત 2023ના વર્લ્ડ કપના ફાઇનલિસ્ટમાંથી એક હશે અને કદાચ ઇંગ્લેન્ડ બીજી ટીમ બની શકે છે. સાઉથ આફ્રિકા બાદ મારો ઝુકાવ ઈંગ્લેન્ડ તરફ છે કે તે જે વર્લ્ડ કપ ફાઈનલિસ્ટ બની રહેશે. દક્ષિણ આફ્રિકા 7 ઓક્ટોબરથી તેમના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા સામે દિલ્હીમાં રમાશે.





