Pakistan Cricket Team Coach : લાંબી રાહ જોયા પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમને નવા હેડ કોચ મળી ગયા છે. પીસીબીએ રેડ બોલ અને વ્હાઇટ બોલ ક્રિકેટ માટે બે નવા કોચની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર જેસન ગિલેસ્પીને પાકિસ્તાનની ટેસ્ટ ટીમના હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગેરી કર્સ્ટન પાકિસ્તાનની વ્હાઈટ બોલ ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા છે. આ નિમણૂક ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
પીસીબીએ 2 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અઝહર મહમૂદને આસિસ્ટન્ટ કોચની જવાબદારી આપી છે. અઝહરની હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ ટી-20ની શ્રેણી માટે કામચલાઉ હેડ કોચ તરીકે નિમણુક કરવામાં આવી હતી. પીસીબીએ અઝહર મહમૂદને તમામ ફોર્મેટ માટે ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે નિમણુર કરી છે. પીસીબીએ જેસન ગિલેસ્પી અને ગેરી કર્સ્ટન સાથે બે વર્ષના કરાર કર્યા છે. એટલે કે પાકિસ્તાન ગેરી કર્સ્ટનના કાર્યકાળમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી રમશે.
ગેરી કર્સ્ટન હાલ આઈપીએલમાં વ્યસ્ત
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ગેરી કર્સ્ટનની ગણતરી વિશ્વના મહાન કોચમાં થાય છે. ગેરી કર્સ્ટનના કાર્યકાળમાં જ ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. હાલમાં ગેરી કર્સ્ટન ભારતમાં છે અને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના મેન્ટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો – 2003ના વર્લ્ડ કપમાં સ્પ્રિંગ બેટથી રમ્યો હતો રિકી પોન્ટિંગ?
ગેરી કર્સ્ટન ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસથી ટીમ સાથે જોડાશે
પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ગેરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પીની નિમણૂકો દર્શાવે છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે અને વિદેશી કોચ આપણા ખેલાડીઓમાં કેટલી ક્ષમતા જુએ છે. અમે ટીમને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માંગીએ છીએ, જેના કારણે અમે કર્સ્ટન અને ગિલેસ્પીની નિમણૂક કરી છે.
કર્સ્ટન 22મી મે થી ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસથી આ જવાબદારી સંભાળે તેવી આશા છે. આ પ્રવાસ દરમિયાન ચાર ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ પછી ટીમ જૂનમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે રવાના થશે.





