Gautam Gambhir Ajit Agarkar Press Conference Highlights : ભારતના નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 22 જુલાઈને સોમવારના રોજ જાહેરાત કરી હતી કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથેના તેના સંબંધો તે બંને વચ્ચે છે. તે ટીઆરપી માટે નથી.
બીજી તરફ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે જ્યારે ટી-20 ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડયાના સ્થાને નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ફિટનેસ, ડ્રેસિંગરુમમાંથી મળેલા ફીડબેક અને સાતત્યપૂર્ણ ઉપલબ્ધતા અંગે વિચારણા કરવામાં આવી હતી. ભારતના શ્રીલંકા પ્રવાસ પહેલા ગૌતમ ગંભીર અને અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી સારા મિત્રો નથી?
આઇપીએલમાં ઘણી વખત ટકરાવથી સ્પષ્ટ થાય છે કે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી સારા મિત્રો રહ્યા નથી. જોકે હવે આ જોડી શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં સાથે મળીને કામ કરશે. ગંભીરે કોહલીના સંદર્ભમાં મીડિયાને કહ્યું કે વિરાટ કોહલી સાથેના સંબંધો અમારી બન્ને વચ્ચેના છે. તે ટીઆરપી માટે નથી. અમે ઘણી ચર્ચા કરી છે. દરેકને પોતાની જર્સી માટે લડવાનો અધિકાર છે.
રોહિત-વિરાટ મોટાભાગની મેચો રમશેઃ ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું કે સીનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ જસપ્રીત બુમરાહ જેવા કોઇ ખેલાડીનું વર્કલોડ મેનેજમેન્ટ વધુ મહત્વનું બની જાય છે. ગંભીરે કહ્યું કે જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મહત્વપૂર્ણ છે. હવે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર બે જ ફોર્મેટમાં રમશે, ત્યારે મને આશા છે કે, તેઓ મોટાભાગની મેચો માટે ઉપલબ્ધ રહેશે.
સૂર્યકુમાર ટી 20માં કેપ્ટન બનાવવા વિશે અગરકરે શું કહ્યું
સૂર્યકુમારને ટી-20 ટીમના કેપ્ટન બનાવવા અંગે અજિત અગરકરે કહ્યું કે ફિટનેસ એક સ્પષ્ટ પડકાર હતો અને અમે એવા ખેલાડીની ઇચ્છા રાખીએ છીએ જે વધુ સમય માટે ઉપલબ્ધ રહેવાની શક્યતા હોય. તે (સૂર્યકુમાર યાદવ) ટી-20ના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે અને કેપ્ટન તરીકે તે તમામ મેચો રમે તેવી શક્યતા છે. અમને લાગે છે કે તે કેપ્ટન બનવાનો હકદાર છે અને અમે જોઈશું કે તે આ ભૂમિકામાં કેવી રીતે બંધ બેસે છે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા હેડ કોચ ગૌતમ ગંભીર પ્રથમ પ્રેસ કોન્ફરન્સ, રોહિત-વિરાટ અંગે કરી મોટી વાત
હાર્દિક જેવું કૌશલ્ય મળવું અઘરું છે: અગરકર
હાર્દિક પંડ્યા વિશે વાત કરતાં અગરકરે કહ્યું કે હાર્દિક જેવું કૌશલ્ય મેળવવું અઘરું છે અને ફિટનેસ મેળવવી પણ અઘરી છે. અમારી પાસે બહુ ઓછો સમય છે. આપણે કેટલીક બાબતો જોઈ શકીએ છીએ. ફિટનેસ એક મોટો પડકાર છે અને અમે એવા ખેલાડીની ઇચ્છા રાખીએ છીએ જે વધુ સમય માટે ઉપલબ્ધ હોય. અમે ડ્રેસિંગ રૂમમાંથી સામાન્ય ફિડબેક લીધો છે. પૂર્વ વાઇસ કેપ્ટન કેએલ રાહુલની અવગણના પર તેમણે કહ્યું જ્યારે કેએલ રાહુલને બહાર કરવામાં આવ્યો ત્યારે હું ત્યાં ત્યાં ન હતો.
શ્રીલંકા પ્રવાસ પર ભારત 3 ટી 20 મેચ અને 3 વન-ડે રમશે
શ્રીલંકાના પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ અને 3 વન ડે મેચ રમશે. શ્રીલંકા સામે ટી-20 શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઇના રોજ રમાશે. તે પછી 28 જુલાઈ અને 30 જુલાઈએ અન્ય બે ટી-20 મેચ રમાશે.
ભારત વિરુદ્ધ શ્રીલંકા ટી 20 શ્રેણીની તમામ મેચ પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવ ટી-20 શ્રેણીમાં 15 સભ્યોની ભારતીય ટી-20 ટીમનું નેતૃત્વ કરશે. આ પછી તારીખ 2,4 અને 7 ઓગસ્ટે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં વન ડે રમાશે. રોહિત શર્મા વન-ડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે.