Rohit Sharma And Virat Kohli Future: ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી બાદ હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. ત્રણ વન-ડેની શ્રેણી 19 ઓક્ટોબરથી રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર વાપસી કરવા જઈ રહ્યા છે તેથી તમામ ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આટલું જ નહીં શુભમન ગિલ પહેલી વખત ભારતીય વન ડે ટીમની કમાન સંભાળશે. આ શ્રેણી પહેલા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વર્લ્ડકપ 2027 અને રોહિત-વિરાટના ભવિષ્ય અંગે પણ સંકેત આપ્યો છે.
હર્ષિત રાણાને ટ્રોલ કરનારાઓની ઝાટકણી કાઢી
ભારતીય હેડ કોચે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની ભાવિ વ્યુહરચના અંગે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે. તેમણે હર્ષિત રાણાને ટ્રોલ કરનારાઓની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે એ શરમજનક છે કે કોઇ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવવા માટે 23 વર્ષના ખેલાડીને નિશાન બનાવી રહ્યા છે. તમારે મારા પર પ્રહાર કરવો હોય તો કરો હું નિપટી શકું છું. પણ યુટ્યુબ વ્યુઝ માટે એક યુવા ખેલાડીને ટ્રોલ કરવો ખતરનાક છે.
ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને શાનદાર ખેલાડી ગણાવ્યા છે. સાથે જ વનડે વર્લ્ડ કપ 2027 વિશે પણ મોટો સંકેત આપવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે ભારતે હાલ વર્તમાન પર ધ્યાન આપવું પડશે, કારણ કે વન ડે વર્લ્ડ કપ 2027માં હજુ સમય બાકી છે.
ગૌતમ ગંભીરનું નિવેદન
ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 50 ઓવરનો વર્લ્ડ કપ હજુ દૂર છે. રોહિત અને કોહલી બંને ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે. આશા છે કે બંને સારો દેખાવ કરશે. આ ક્ષણે વર્તમાન પર ધ્યાન આપવાની જરુર છે. કોઈ પણ ખેલાડીને બહાર રાખવો તે ખૂબ જ ભાવનાત્મક નિર્ણય છે.
આ પણ વાંચો – વેસ્ટ ઇન્ડીઝ સામે 2-0થી જીત પછી શુભમન ગિલે કહ્યું – ક્યારેક-ક્યારેક સાહસિક નિર્ણય લેવા પડે છે
એટલે કે ગંભીરે રોહિત અને વિરાટને હિંટ આપી છે કે જો તમે પર્ફોમન્સ કરશો તો જ તમને ભવિષ્યના પ્લાનમાં રાખવામાં આવશે. સ્પષ્ટ છે કે જો રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી દોઢ વર્ષ સુધી સારું ફોર્મ જાળવી રાખશે તો તેમને વન ડે વર્લ્ડ કપ 2027માં રમવાની તક મળશે.
રોહિત અને કોહલીની વાપસી પર તમામની નજર
રોહિત શર્મા અને વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ બાદ ભારતીય જર્સીમાં જોવા મળશે. રોહિત શર્માએ તેના મિશન વર્લ્ડ કપ 2027ની શરૂઆત કરી છે અને તે અભિષેક નાયરની દેખરેખમાં મુંબઈમાં ટ્રેનિંગ પણ કરી રહ્યો છે. વિરાટ કોહલી પણ ભારત આવ્યો છે. બંને ખેલાડીઓ હવે માત્ર એક જ ફોર્મેટમાં રમશે. આ બંનેએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ અને ચાલુ વર્ષે ઈંગ્લેન્ડની શ્રેણી અગાઉ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ભારતીય ટીમ 19મી ઓક્ટોબરે પર્થમાં પ્રથમ વન ડે મેચ રમશે. જે પછી શ્રેણીની બે મેચો 23 ઓક્ટોબર અને 25મી ઓક્ટોબરે રમાશે.