Gautam Gambhir Report Card : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હાલ દરેક જગ્યાએ ચર્ચાનો મુખ્ય વિષય છે. કારણ છે ટીમ ઇન્ડિયાનું ભારતના ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન. હવે સવાલ એ આવે છે કે ગૌતમ ગંભીર હેડ કોચ તરીકે ભારત માટે કેટલા અસરકારક રહ્યા છે? આનો જવાબ તેમના આંકડા આપશે જે અમે તમને આ રિપોર્ટ કાર્ડમાં બતાવીશું. આમ તો ગંભીરના કોચિંગમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી, એશિયા કપ જીત્યો હતો, ઈંગ્લેન્ડમાં જઇને મુશ્કેલ ટેસ્ટ શ્રેણી ડ્રો કરી હતી. પણ ઘરઆંગણે જે આંકડા સામે આવ્યા છે તે ભારતના સૌથી વિવાદાસ્પદ કોચ ગ્રેગ ચેપલ કરતાં પણ ખરાબ છે.
ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા ત્યારથી ભારત તેની જ ધરતી પર ટેસ્ટમાં બે મોટી શ્રેણી હારી ચૂક્યું છે. ગત વર્ષે ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી હરાવ્યું હતું. હવે સાઉથ આફ્રિકાએ પણ 2-0થી વ્હાઇટવોશ કર્યો છે. આ પછી સવાલો ઉભા થવાના જ છે. ભારતીય હેડ કોચ તરીકે તેનું રિપોર્ટ કાર્ડ શું કહે છે તેના આંકડા જોઈએ.
ગંભીર કોચ બન્યા બાદ તમામ શ્રેણી/ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
- ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી 4-1થી જીતી.
- શ્રીલંકા સામે ટી-20 શ્રેણી 3-0થી જીતી.
- શ્રીલંકા સામે વન ડે શ્રેણીમાં 0-2થી પરાજય.
- બાંગ્લાદેશ સામે બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી (ઘરઆંગણે).
- બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 3-0થી જીતી (ઘરઆંગણે).
- ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 0-3થી પરાજય (ઘરઆંગણે).
- દક્ષિણ આફ્રિકા સામે ચાર મેચોની ટી-20 શ્રેણી 3-1થી જીતી.
- ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3થી પરાજય થયો.
- ઇંગ્લેન્ડે સામે પાંચ મેચોની ટી-20 શ્રેણી 4-1થી જીતી (ઘરઆંગણે).
- ઇંગ્લેન્ડે સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી 3-0થી જીતી (ઘરઆંગણે).
- આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી.
- ઈંગ્લેન્ડમાં રમાયેલી ચાર ટેસ્ટની શ્રેણી 2-2થી ડ્રો રહી.
- એશિયા કપ 2025 જીત્યો
- વેસ્ટ ઈન્ડીઝ સામે બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી (ઘરઆંગણે).
- ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડેની શ્રેણીમાં 1-2થી પરાજય.
- ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી.
- સાઉથ આફ્રિકા સામે બે ટેસ્ટની શ્રેણીમાં 0-2થી પરાજય (ઘરઆંગણે).
ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ગ્રાફ ઘટ્યો
ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતે રમેલી તમામ શ્રેણી કે ટૂર્નામેન્ટનો આ રેકોર્ડ છે. પણ ક્રિકેટના સૌથી જૂના ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં ભારતીય ટીમનો ગ્રાફ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ સૌથી ખરાબ રહ્યો છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી જીતવા સિવાય તમે સેના દેશોને હરાવી શક્યા નથી. ત્યારબાદ ઘરઆંગણે સતત પરાજય પણ ચિંતાનો વિષય બની રહ્યું છે.
આ પણ વાંચો – કારમા પરાજય પછી ગૌતમ ગંભીરે કહ્યું – BCCI મારું ભવિષ્ય નક્કી કરશે
ઘરઆંગણે ગૌતમ ગંભીરનો ટેસ્ટ રેકોર્ડ સૌથી ખરાબ
વર્ષ 2000થી અત્યાર સુધીમાં કુલ 8 હેડ કોચ ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. જેમાં ઘરઆંગણે ગૌતમ ગંભીરનો ટેસ્ટ રેકોર્ડ સૌથી ખરાબ રહ્યો છે. તેમના કોચિંગમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે અત્યાર સુધી 9 માંથી પાંચ ટેસ્ટ મેચમાં પરાજય થયો છે. જે ચાર ટેસ્ટ મેચ જીતી છે, તેમાંથી બે મેચ બાંગ્લાદેશ સામે અને બે વિન્ડિઝ સામેની હતી. ભારતમાં તેમની ટેસ્ટ હારની ટકાવારી 52.6 છે. ચેપલના કોચિંગમાં ભારત ઘરઆંગણે 22.2 ટકા ટેસ્ટ મેચોમાં પરાજય થયો હતો.
ટેસ્ટમાં ગંભીરને હટાવવાની માંગ
ગૌતમ ગંભીરની આ આંકડાના કારણે ભારતીય ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને હટાવવાની માગ શરુ કરી દીધી છે. બીજી તરફ ઘણા ક્રિકેટ પંડિતોનું માનવું છે કે ટેસ્ટમાં ગંભીરને રિપ્લેસ કરવો જોઈએ. નિશ્ચિતપણે વ્હાઇટ બોલમાં કોચ તરીકે ગંભીરનો રેકોર્ડ સારો રહ્યો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે હજુ સુધી કોચ તરીકે ખાસ કંઇ કરી શક્યો નથી. ગુવાહાટીમાં ભારતીય ટીમની હાર બાદ સ્ટેડિયમમાં પણ ચાહકો ગંભીરથી નારાજ હતા અને હાય-હાયના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા.





