Team India Top 5 Best Performers In 2022 : ભારતીય ટીમ 2022માં ભલે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ અને એશિયા કપનું ટાઇટલ જીતી શકી ના હોય પણ આ વર્ષે બીજી ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. જેમ કે ઇંગ્લેન્ડને તેના ઘરમાં એક દિવસીય અને ટી-20 શ્રેણીમાં હરાવવું, અન્ય દ્વિપક્ષીય શ્રેણીમાં જીત મેળવવી સામેલ છે. એશિયા કપ 2022માં ભારતનો પાકિસ્તાન સામે સુપર-4 મેચમાં પરાજયનો થયો હતો. આ મેચમાં અર્શદીપ સિંહે આસિફ અલીનો કેચ છોડ્યો હતો. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે 2022માં અર્શદીપ સિંહનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અર્શદીપ સિવાય વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને ઋષભ પંત માટે પણ 2022નું વર્ષ યાદગાર રહ્યું છે.
અર્શદીપ સિંહે (Arshdeep Singh) 2022માં 21 ટી-20 મેચમાં 33 વિકેટ ઝડપી
અર્શદીપ સિંહે 2022માં ટી-20 ઇન્ટરનેશનલમાં ભુવનેશ્વર કુમાર પછી બીજો સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર છે. અર્શદીપે 21 મેચમાં 18.12ની એવેરજથી 33 વિકેટ ઝડપી છે. તેની સ્ટ્રાઇક રેટ (13.3)પણ સારી છે. અર્શદીપની ઇકોનોમી રેટ (8.17) થોડી વધારે છે પણ એ ધ્યાનમાં રાખવું પડશે કે તે ડેથ ઓવર્સમાં સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બોલર છે. મોહમ્મદ સિરાજે 2022માં 50 ઓવર ફોર્મેટમાં 14 મેચમાં સૌથી વધારે 23 વિકેટ ઝડપી છે.
સૂર્યકુમાર ટી-20માં એક વર્ષમાં 1000 પ્લસ રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો
સૂર્યકુમાર યાદવ 2022માં ટી-20 ઇન્ટરનેશનલમાં 1000થી વધારે રન બનાવનાર એકમાત્ર અને પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. સૂર્યકુમારે 2022માં 187.43ની સ્ટ્રાઇક રેટથી 31 ઇન્ટરનેશનલ ટી-20 મેચમાં 1164 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 46.56ની રહી છે. સૂર્યકુમાર યાદવે 2022માં 2 સદી અને 9 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલીએ 2022માં 1020 દિવસનો દુષ્કાળ ખતમ કર્યો
વિરાટ કોહલી 781 રન બનાવી ટી-20 ઇન્ટરનેશનલમાં બીજો સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી રહ્યો છે. કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. 1020 દિવસ પછી કોહલી સદી ફટકારવા સફળ રહ્યો હતો. અફઘાનિસ્તાન સામે વિરાટે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. જે ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.
આ પણ વાંચો – એક વર્ષમાં મ્યૂઝિકલ ચેયરની રમત બની ભારતીય કેપ્ટનની ખુરશી, હાર્દિક પંડ્યા પછી હવે આ પ્લેયરને મળી શકે છે કમાન
શ્રેયસ ઐયરે 16 વન-ડેમાં બનાવ્યા 639 રન
શ્રેયસ ઐયર 2022માં વન-ડેમાં શિખર ધવન પછી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે. ધવને 21 મેચમાં 677 રન બનાવ્યા છે. જ્યારે શ્રેસય ઐયરે ફક્ત 16 મેચમાં 58.09ની એવરેજથી 639 રન બનાવ્યા છે.
ઋષભ પંતે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવ્યા
ઋષભ પંતે 2022માં સીમિત ઓવરોના ફોર્મેટમાં સંઘર્ષ કર્યો છે. ખાસ કરીને ટી-20 ઇન્ટરનેશનલમાં વધારે રન બનાવી શક્યો નથી. જોકે આ વર્ષે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે. પંતે 2022માં 5 ટેસ્ટની 9 ઇનિંગ્સમાં 66.50ની એવરેજથી 532 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. પંત 2022માં ટેસ્ટ ક્રિકેટમાં 350થી વધારે રન બનાવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.