GT vs CSK IPL 2023 Final : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આજે આઈપીએલ-2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મુકાબલો પહેલા 28 મે ના રોજ રમાવાનો હતો. જોકે વરસાદના કારણે આ મુકાબલો હવે 29 મે ના રોજ રમાશે. આ વખતે કોણ ચેમ્પિયન બનશે તે રાત્રે ખબર પડી જશે. જોકે આ પહેલા ગુજરાત ટાઇટન્સ માટે શુભ સંયોગ જોવા મળ્યો છે.
ગુજરાત ટાઇટન્સની આ બીજી સિઝન છે અને તે બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ગુજરાત ટાઇટન્સ ગત વખતે ચેમ્પિયન બન્યું ત્યારે તારીખ 29 મે હતી. આ વખતે ફાઇનલ પણ 29 મે ના રોજ રમાવાની છે. આ સિવાય ગુજરાતની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેમ્પિયન બની હતી. આ વખતે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં રમાવાની છે. એટલે ગુજરાત ટાઇટન્સ માટે ચેમ્પિયન બનવાનો સંયોગ છે.
આ પણ વાંચો – આઈપીએલ 2023 ફાઇનલ : વરસાદના કારણે રિઝર્વ ડે પણ ધોવાઇ જશે તો કોણ બનશે ચેમ્પિયન? જાણો
આઈપીએલ 2022 ની ફાઇનલમાં શું થયું હતું
આઈપીએલ 2022ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 133 રન બનાવી લીધા હતા. ગુજરાત 7 વિકેટે જીત મેળવી ચેમ્પિયન બન્યું હતું. શુભમન ગિલે અણનમ 45 રન બનાવ્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં કુલ 4 મેચ રમાઇ છે. જેમાંથી 3 માં ગુજરાતનો વિજય થયો છે અને એક મેચમાં ચેન્નઈએ જીત મેળવી છે. સીએસકેને આ એક જીત આ સિઝનની ક્વોલિફાયર 1 માં મળી હતી. તે પહેલા ચેન્નઈ ગુજરાત સામે ત્રણેય મેચ હાર્યું હતું. ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે સીએસકે 4 વખત ચેમ્પિયન રહી ચુકી છે.