Radha Yadav affected by floods in Vadodara: પૂરના કારણે ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને 35 લોકોના મોત થયા છે. ભારતની ડાબોડી સ્પિનર રાધા યાદવ પણ વડોદરામાં પૂરમાં ફસાઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ તેને રેસ્ક્યુ કરી હતી. આ રાધા યાદવે એનડીઆરએફનો આભાર માન્યો હતો.
રાધા યાદવે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી અને પૂરમાં ફસાવાની અને રેસ્ક્યુ થવાની જાણકારી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તેણે કહ્યું કે અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. અમને બચાવવા બદલ એનડીઆરએફનો ખૂબ ખૂબ આભાર. રાધાએ પોસ્ટ કરેલા વીડિયોમાં આસપાસના વિસ્તારો પાણીમાં ડુબેલા જોવા મળી રહ્યા છે. બચાવકર્મીઓ રાફ્ટ પર સવાર થઇને લોકોને બચાવવા આવી રહ્યા છે. લોકોને છાતી સુધી પાણીમાં ચાલતા પણ જોઇ શકાય છે.

ટી-20 વર્લ્ડ કપ ટીમમાં રાધા યાદવની પસંદગી
24 વર્ષીય રાધા યાદવ 3 ઓક્ટોબરથી યુએઈમાં રમાનારા મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના ગ્રુપમાં સામેલ છે. ભારત પોતાની પહેલી મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
આ પણ વાંચો – ટી 20 ક્રિકેટમાં સૌથી વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટોપ 5 પ્લેયર્સ, જાણો રોહિત શર્મા અને વિરાટ કોહલી કયા સ્થાને
રાધા યાદવની કારકિર્દી
લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવ છેલ્લે વિમેન્સ એશિયા કપમાં રમી હતી, જ્યાં તેણે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં 3 વિકેટ ઝડપી હતી. રાધા યાદવે ભારત માટે 80 ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 90 વિકેટ ઝડપી છે. તે વન-ડેમાં વધારે રમી નથી. ચાર વન-ડે મેચમાં એક વિકેટ ઝડપી છે.





