Urvil Patel 31 Ball Hundred : ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે ફરી એકવાર આક્રમક સદી ફટકારી છે. આ સદી સાથે એક નવો અને અનોખો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં ઉર્વિલ પટેલે માત્ર 31 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલ પટેલ ટી 20 ક્રિકેટમાં બે વાર 35 થી ઓછા બોલમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે આ પહેલા 2024માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. અન્ય કોઈ બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યા નથી. જોકે પ્રોફેશનલ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સાહિલ ચૌહાણના નામે છે, જેણે 27 બોલમાં સદી ફટકારી હતી.
ઉર્વિલ પટેલે 31 બોલમાં 11 ફોર અને 8 સિક્સર સાથે સદી ફટકારી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં સર્વિસિસ સામેની મેચમાં ગુજરાતના કેપ્ટન અને ઓપનર ઉર્વિલ પટેલે 31 બોલમાં 11 ફોર અને 8 સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. મેચ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 322 થી વધુ હતો. અગાઉ તેણે 2024માં ત્રિપુરા સામે T20 મેચમાં માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી.
ઉર્વિલ પટેલે 36 બોલમાં પણ સદી ફટકારી હતી, જે દર્શાવે છે કે તે કેટલા ઝડપી રન બનાવે છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેણે ત્રણ વખત 36 કે તેનાથી બોલમાં T20 ક્રિકેટમાં સદી ફટકારી છે.
ગુજરાતનો 8 વિકેટે વિજય
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં ગુજરાતે સર્વિસિસ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. સર્વિસિસે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 12.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 183 રન બનાવી લીધા હતા. ઉર્વિલ પટેલે 37 બોલમાં 12 ફોર અને 10 સિક્સર સાથે અણનમ 119 રન બનાવ્યા હતા. આર્યા દેસાઇએ 35 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 60 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – ગૌતમ ગંભીરની 3 મોટી ભૂલ જે ભારતના ઘરઆંગણે હારનું કારણ બની
ઉર્વિલ પટેલ આઈપીએલમાં CSK તરફથી રમે છે
ઉર્વિલ પટેલ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ત્રણ મેચ રમ્યો હતો. જોકે તે મેચોમાં તેણે વધારે રન બનાવ્યા ન હતા. તેણે ત્રણ મેચમાં 68 રન બનાવ્યા હતા, જેમાં 37 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો. CSK એ આ સિઝનમાં પણ ઉર્વિલ પટેલને રિટેન કર્યો છે. તેને 50 T20 મેચનો અનુભવ છે, આ સિવાય 22 લિસ્ટ A અને 15 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં પણ ભાગ લીધો છે.





