virat kohli records : ભારતીય ક્રિકેટનો દિગ્ગજ પ્લેયર વિરાટ કોહલી બુધવારે (4 નવેમ્બર) 37 વર્ષનો થયો છે. ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો આ ખેલાડી પોતાની ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં ઉભો છે. કોહલીએ બે દાયકાથી વધુની કારકિર્દીમાં કમાલની નિરંતરતા અને દ્રઢ વિશ્વાસ બતાવીને પોતાની નામની જેમ વિશાળ ઉપલબ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ 2006માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
વિરાટ કોહલીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (ટેસ્ટ અને રેડ બોલ ક્રિકેટ), લિસ્ટ એ ક્રિકેટ (50 ઓવરની ક્રિકેટ) અને ટી-20 (આંતરરાષ્ટ્રીય, આઈપીએલ અને ડોમેસ્ટિક 20 ઓવર ક્રિકેટ) માં કુલ મળીને 40,725 રન બનાવ્યા છે. તેણે 101 સદી અને 227 અડધી સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી કોહલી છે. તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે.
કોહલીની ક્રિકેટ કારકિર્દીને વિરાટ બનાવે છે આ 10 રેકોર્ડ
- સૌથી વધારે વન ડે સદી : વિરાટ કોહલી વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી છે, જેણે 51 સદી ફટકારી છે. તેણે 2023ના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો.
- બેસ્ટ એવરેજથી 10,000 રન : વન-ડે ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં કોહલીની એવરેજ સર્વશ્રેષ્ઠ છે.
- ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય : કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સાત બેવડી સદી ફટકારી છે.
- આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન : 2016માં વિરાટ કોહલીએ 973 રન બનાવ્યા હતા.
- સર્વોચ્ચ આઇસીસી ટેસ્ટ રેટિંગ વાળો ભારતીય : કોહલી 937 રેટિંગ પોઇન્ટ્સ સાથે આઇસીસી રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ ધરાવતા ભારતીય બેટ્સમેન છે.
- વિદેશી ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સદી : ઓસ્ટ્રેલિયામાં તેણે 2014માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4 સદી ફટકારી હતી. શુભમન ગિલે આ ઇંગ્લેન્ડ પ્રવાસમાં 4 સદી ફટકારીને રેકોર્ડની બરોબરી કરી હતી.
આ પણ વાંચો – વિરાટ કોહલી જન્મદિવસ: માત્ર રન મશીન નહીં, ભારતીય ક્રિકેટનો ધબકાર! જાણો 5 વિરાટ ક્ષણો
- સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતનારા કેપ્ટન : કોહલીની આગેવાની હેઠળ ભારતે સતત નવ ટેસ્ટ શ્રેણી જીતીને રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી હતી.
- વન-ડેમાં સૌથી ઝડપી 10,000 રન : કોહલીએ માત્ર 205 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
- સૌથી ઝડપી 27,000 આંતરરાષ્ટ્રીય રન : કોહલીએ માત્ર 594 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.
- વિદેશમાં સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન : કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકામાં યાદગાર શ્રેણી જીત અપાવી હતી. તે વિદેશમાં ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે.





