Hardik Pandya Likely to be Ruled Out IND vs AUS ODI Series: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ 2025ની ફાઇનલમાં રમતો જોવા મળ્યો ન હતો. જ્યારે શ્રીલંકા સામેની સુપર 4ની આખરી મેચમાં તે માત્ર એક જ ઓવર ફેંકીને બહાર થઇ ગયો હતો. હાર્દિક તે મેચમાં એક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. મેચ બાદ એવી માહિતી સામે આવી હતી કે, હાર્દિક પંડયા ક્વાડ્રિસેપ્સ (જાંઘ અને ઘૂંટણની વચ્ચે) ઈજાના કારણે મેદાનની બહાર ગયો હતો.
શિવમ દુબેએ હાર્દિક પંડ્યાની ખોટ પુરી કરી હતી
રવિ શાસ્ત્રીએ પણ કોમેન્ટ્રી દરમિયાન આ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં તેને ફાઈનલ રમી શક્યો ન હતો અને તેની ગેરહાજરીમાં શિવમ દુબેએ તેની ખોટ પુરી કરી હતી. આ ઈજા બાદ તે લગભગ ચાર સપ્તાહ સુધી ટીમની બહાર પણ રહી શકે છે. એટલે કે 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણીમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત ગણાય છે.
જોકે હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પણ આવી ઈજામાંથી સાજા થવામાં ચાર સપ્તાહ લાગે છે. એટલે કે વન-ડે શ્રેણીમાંથી બહાર થયા બાદ તે ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. આ અંગે પણ કોઈ પુષ્ટિ થઈ નથી. જ્યારે બીસીસીઆઇ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમ જાહેર કરશે ત્યારે જ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો – હવે ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે, જાણો 2025નો ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ
વન ડે બાદ ભારતીય ટીમ 29મી ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન પાંચ ટી-20ની શ્રેણી પણ રમશે. હાર્દિકની ગેરહાજરીમાં વન ડે ટીમમાં તેના સ્થાને ફાસ્ટ ઓલરાઉન્ડર તરીકે કોણ આવશે? આવી સ્થિતિમાં 2019માં વન ડેમાં ડેબ્યૂ કરનાર અને ત્યાર બાદ ભારત તરફથી માત્ર ચાર જ વન ડે રમી ચૂકેલા ખેલાડીનું નામ સામે આવે છે.
વન-ડે ટીમમાં હાર્દિકનું સ્થાન કોણ લઈ શકે છે?
એશિયા કપ 2025ની ફાઈનલમાં સૂર્યકુમાર યાદવે એવો દાવ ચાલ્યો જે ભવિષ્યમાં વન ડેમાં ભારતીય ટીમ માટે વિકલ્પ તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે. હાર્દિક બહાર થયા પછી સૂર્યાએ શિવમ દુબેનો સારો ઉપયોગ કરી તેનો ખોટ પુરી કરી હતી. તેને નવા બોલ સાથે પ્રથમ ઓવર આપી હતી. આ પછી શિવમે સારી ઇકોનોમી સાથે ત્રણ ઓવર ફેંકી હતી. બેટીંગમાં પણ તે તિલક વર્માની સાથે ભારતીય ટીમની જીતનો હીરો સાબિત થયો હતો. હવે જો હાર્દિક વન ડે શ્રેણીમાંથી બહાર થઈ જાય તો શિવમ દુબેને ટીમ ઈન્ડિયામાં પેસ ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળી શકે છે. કારણ કે ટીમ ઈન્ડિયામાં હાલ શિવમ સિવાય હાર્દિકનું સ્થાન લઈ શકે તેવો કોઈ ખેલાડી નથી. પરંતુ શિવમ દુબેએ બોલિંગમાં ખૂબ જ મહેનત કરવી પડશે.
6 વર્ષમાં માત્ર 4 વન ડે મેચ રમ્યો છે
શિવમ દુબેની કારકિર્દીની વાત કરીએ તો તે 6 વર્ષમાં માત્ર ચાર વન-ડે રમ્યો છે. શિવમ દુબએ વર્ષ 2019માં વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું. દુબેને વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. ત્યાર બાદ તે માત્ર ચાર વન ડે જ રમી શક્યો છે. તે છેલ્લે વર્ષ 2024માં શ્રીલંકા સામે વન-ડે રમ્યો હતો. તેણે ભારત માટે ચાર વન ડે માં માત્ર 43 રન બનાવ્યા છે અને એક વિકેટ ઝડપી છે. જ્યારે ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 41 મેચમાં 18 વિકેટ ઝડપી છે અને 581 રન બનાવ્યા છે. હવે જોવાનું રહેશે કે ટી-20 બાદ પણ વન ડેમાં હાર્દિકની ગેરહાજરીમાં મેનેજમેન્ટ અને કેપ્ટન ભરોસો રાખે છે કે નહીં. આ વાતની માહિતી ટીમની જાહેરાત થશે ત્યારે ખબર પડશે.