Hardik Pandya : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા શર્માની તસવીરો અને વીડિયો ઓનલાઇન સામે આવ્યા બાદ પાપારાઝીના એક જૂથ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે મીડિયાને પ્રાઇવેટ ક્ષણોનું સન્માન કરવાની અપીલ કરી છે. ભારતીય ઓલરાઉન્ડરે નિરાશા વ્યક્ત કરી હતી અને તેને ગોપનીયતામાં દખલ ગણાવી હતી. આ મામલો મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી નીકળતી વખતે મહિકાની તસવીરો વાયરલ થવા સાથે સંબંધિત છે.
ભારતીય ક્રિકેટરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સખત સંદેશો શેર કર્યો છે. સંદેશામાં ફોટોગ્રાફરો પર હદ પાર કરવાનો અને સામાન્ય રુપે ફરવું-ટહેલવાને સસ્તી સનસનીખેજમાં બદલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું કે પબ્લિક વ્યક્તિઓ ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ એમ પણ કહ્યું હતું કે કેટલીક ક્ષણો, ખાસ કરીને મહિલાઓ સાથે સંકળાયેલી ક્ષણોને ગરિમા અને સંયમથી જોવી જોઈએ.
હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શું કહ્યું
હાર્દિક પંડ્યાએ મંગળવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે હું સમજું છું કે લોકોની નજરમાં હોવાથી ધ્યાન અને તપાસ થાય છે, તે જીવનનો એક ભાગ છે જે મેં પસંદ કર્યો છે, પરંતુ આજે કંઈક એવું બન્યું જેણે હદ પાર કરી દીધી છે.
તેણે લખ્યું હતું કે મહિકા બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં સીડીઓથી નીચે ઊતરી રહી હતી, ત્યારે પાપારાઝીએ એને એવા એંગલથી કેમેરામાં કેદ કરી, જે રીતે કોઈ મહિલાનો ફોટો પાડવો ન જોઈએ. એક પ્રાઇવેટ ક્ષણને સસ્તી સનસનાટીમાં ફેરવી દીધી હતી. તે હેડલાઇન્સ કે કોણે શું ક્લિક કર્યું છે તે વિશે નથી તે બેઝિક આદર વિશે છે. મહિલાઓને સન્માન મળવું જોઈએ. દરેકની પોતાની એક મર્યાદા હોય છે.
આ પણ વાંચો – આઈપીએલની 2026ની હરાજી માં ગુજરાત રાજ્યના આ 22 ખેલાડીઓની બોલી લાગશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ
હાર્દિક પંડ્યાએ લખ્યું કે દરરોજ સખત મહેનત કરનાર મીડિયા બ્રધર્સ: હું તમારી મહેનતનું સન્માન કરું છું અને હું હંમેશા સહકાર આપું છું, પરંતુ હું તમને બધાને વિનંતી કરું છું, કૃપા કરીને થોડી વધુ કાળજી લો. દરેક વસ્તુને કેમેરામાં કેદ કરવાની જરૂર નથી. દરેક એંગલથી ફોટા લેવાની જરૂર નથી. ચાલો આ ગેમમાં થોડી માનવતા રાખીએ. આભાર.





