ટી-20 વર્લ્ડ કપ 2024 : હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, આ શરતે જ રમી શકશે વર્લ્ડ કપ

Hardik Pandya : આઇપીએલમાં હાર્દિક પંડયાનો દેખાવ કંગાળ રહ્યો છે અને પ્રેક્ષકો તરફથી વિપરીત પ્રત્યાઘાતો પણ જોવા મળી રહ્યા છે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવતા દર્શકો નાખુશ છે

Written by Ashish Goyal
Updated : April 16, 2024 17:44 IST
ટી-20 વર્લ્ડ કપ 2024 : હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, આ શરતે જ રમી શકશે વર્લ્ડ કપ
આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે (તસવીર - હાર્દિક પંડ્યા ટ્વિટર)

T 20 World Cup 2024 : હાર્દિક પંડ્યાની ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વાપસી આઈપીએલની બાકીની મેચોમાં તે કેટલી સારી અને કેટલી વાર બોલિંગ કરે છે તેના પર નિર્ભર રહેશે. ગત સપ્તાહે મુંબઈના બીસીસીઆઇના હેડક્વાર્ટર ખાતે ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, પસંદગીકારોના ચેરમેન અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મિટિંગ યોજાઈ હતી.

તે મિટિંગમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે જો હાર્દિક પંડયાને ટી-20 ટીમમાં પુનરાગમન કરવું હોય તો તેણે નિયમિત બોલિંગ કરવી પડશે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય ભાગ સીમ બોલિંગ ઓલરાઉન્ડરને લઈને હતો. ટી-20 વર્લ્ડ કપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં થવાનું છે. આ જ કારણ છે કે ટીમને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની શોધ છે.

આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન નિરાશાજનક

આઇપીએલમાં હાર્દિક પંડયાનો દેખાવ કંગાળ રહ્યો છે અને પ્રેક્ષકો તરફથી વિપરીત પ્રત્યાઘાતો પણ જોવા મળી રહ્યા છે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવતા દર્શકો નાખુશ છે. આઈપીએલ 2024માં અત્યાર સુધી હાર્દિક પંડ્યાનું બેટ અને બોલ બંનેથી પ્રદર્શન સારું રહ્યું નથી.

આ પણ વાંચો – ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી, ગિલક્રિસ્ટ અને ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

રવિવારે રાત્રે હાર્દિક પંડ્યાની અંતિમ ઓવરમાં એમએસ ધોનીએ સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ કારણે લોકો તેમના પર વધુ ગુસ્સે થયા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિકને ટી-20 વર્લ્ડ કપ 2024માં ઓલરાઉન્ડર તરીકે જોવા માગે છે, કારણ કે તેનાથી તેમને વધારે સંતુલન મળશે. આમ પણ ટીમ ઇન્ડિયા સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનોથી ભરેલી છે.

6 મેચમાંથી 4 માં બોલિંગ કરી, માત્ર 3 જ વિકેટ ઝડપી શક્યો

આઈપીએલમાં પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ 6માંથી 4 મેચમાં બોલિંગ કરી છે. તેણે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ બે મેચમાં બોલિંગની શરૂઆત કરી હતી. તેણે અનુક્રમે 3 અને 4 ઓવર ફેંકી હતી. આ પછી આગામી બે મેચમાં બોલિંગ કરી ન હતી.

ત્યારબાદ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે એક ઓવર ફેંકી હતી. હાર્દિક પંડ્યાએ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ત્રણ ઓવર ફેંકી હતી. ચિંતાની વાત એ છે કે આ આઇપીએલમાં હાર્દિક પંડ્યાનો ઇકોનોમી રેટ 12.00 નો રહ્યો છે અને તેના નામે માત્ર ત્રણ જ વિકેટ છે.

આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાનું બોલિંગ પ્રદર્શન

  • પાવરપ્લેમાં (1-6) : 4 ઓવર ફેંકી : 44 રન આપ્યા અને 1 વિકેટ ઝડપી, 11નો ઈકોનોમી રેટ રહ્યો.
  • મિડલ ઓવરોમાં (7-16) : 6 ઓવર ફેંકી: 62 રન આપ્યા અને 1 વિકેટ ઝડપી, 10.33નો ઈકોનોમી રેટ રહ્યો.
  • ડેથ ઓવર્સમાં (16-20) : 1 ઓવર ફેંકી : 26 રન આપ્યા અને એક વિકેટ ઝડપી, ઇકોનોમી રેટ સાથે 26નો રહ્યો.

પસંદગીકારો શિવમ દુબેને લઈને ઉત્સુક

બેટિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યાનું ફોર્મ અહીં પણ ચિંતાનો વિષય છે. તેણે આ આઈપીએલમાં અત્યાર સુધીમાં માત્ર 131 રન બનાવ્યા છે. જાણવા મળ્યું છે કે શિવમ દુબેથી પસંદગીકારો ઘણા પ્રભાવિત છે. શિવમ દુબે ડાબોડી બેટ્સમેન હોવા ઉપરાંત સ્પિનરોની સારી રીતે પીટાઇ કરવામાં પણ સક્ષમ છે. આ સિઝનમાં એક ઓવરમાં બે બાઉન્સરનો નિયમ હોવા છતાં શિવમ દુબેએ ફાસ્ટ બોલરો સામેની તેની રમતમાં સુધારો કર્યો છે.

મિડલ ઓર્ડરમાં શિવમ દુબેની પાવર હિટિંગ ટીમને ખાસ તાકાત પુરી પાડે છે. પરંતુ શિવમ દુબેની સમસ્યા એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ તેનો ઉપયોગ મુખ્યત્વે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કરે છે. જ્યાં તેને બોલ સાથે યોગદાન આપવાની જરૂર નથી. આવી સ્થિતિમાં પસંદગીકારો તેને પસંદ કરે તો પણ તેનો પાર્ટ ટાઈમ બોલર તરીકે ઉપયોગ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ