Harshit Rana Debut Hattrick Records History : ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમ તરફથી 2 ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને ડેબ્યૂ કરવાની તક મળી હતી. દિલ્હીના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે ડેબ્યૂ મેચમાં 7 ઓવરમાં 53 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની ઈનિંગની 36મી ઓવરમાં ત્રીજી વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. તે ટેસ્ટ ડેબ્યૂ ઇનિંગ બાદ પ્રથમ ટી 20 અને વન ડે મેચમાં પણ 3 વિકેટ ઝડપનારો ભારત તરફથી પ્રથમ બોલર બની ગયો છે.
હર્ષિત રાણાએ ગત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ ડેબ્યૂ ઇનિંગમાં તેણે 48 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પછી તેણે જાન્યુઆરી 2025માં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી 20 મેચમાં કનકશન સબસ્ટિટ્યુટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શને મેચને પલટી નાખી હતી. આ પછી તેણે નાગપુરમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડેમાં 53 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
હર્ષિત રાણાના નામે થયો આ શરમજનક રેકોર્ડ
નાગપુર વન ડેની વાત કરીએ તો હર્ષિત રાણાએ મોહમ્મદ શમી સાથે બોલિંગની શરૂઆત કરી હતી. જોકે પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા હતા. આ પછી મેઇડન ઓવર ફેંકી હતી. આ પછીની ઓવરમાં તેણે 26 રન બનાવ્યા હતા. ભારત માટે ડેબ્યૂ મેચમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપવાનો આ રેકોર્ડ છે. ત્યારબાદ રોહિત શર્માએ હર્ષિતને બોલિંગથી હટાવી લીધો હતો અને 10મી ઓવરમાં બોલિંગ કરવા પાછો ફર્યો હતો.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ વન-ડે લાઇવ, અહીં જુઓ અપડેટ્સ
હર્ષિત રાણાનું શાનદાર કમબેક
હર્ષિતે 10મી ઓવરમાં 2 રન આપ્યા અને 2 વિકેટ ઝડપી હતી. બેન ડકેટનો યશસ્વી જયસ્વાલે શાનદાર કેચ લપક્યો હતો. ડકેટે 29 બોલમાં 32 રન બનાવ્યા હતા. છેલ્લા બોલ પર હેરી બ્રુકને કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ તેણે 36મી ઓવરમાં લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો.
જેકોબ બેથલે અડધી સદી ફટકારી
જેકોબ બેથલે ભારત સામેની પ્રથમ વન-ડેમાં 64 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 51 રન બનાવ્યા હતા. જેકોબ ભારતમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારનાર પ્લેયર બન્યો છે. તેણે 21 વર્ષ 106 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. તેણે જો રુટનો રેકોર્ડ તોડ્યો છે.
રુટે 22 વર્ષ 24 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. જેકોબ જાડેજાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. જેકોબ બેથલ ઇંગ્લેન્ડનો બેટિંગ ઓલરાઉન્ડર છે. તે ઇંગ્લેન્ડ તરફથી 3 ટેસ્ટ, 9 વન-ડે અને 10 ટી 20 મેચ રમ્યો છે.





