IPL Retention 2025 Updates, આઈપીએલ 2025 રિટેન્શન : આઈપીએલ 2025 માટે આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઇઝીએ જે-જે ખેલાડીઓને રિટેન કર્યા છે તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી સિઝન માટે જે ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે તેમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે હેનરિક ક્લાસેનનો સમાવેશ થાય છે, જેને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
આ વખતે આઇપીએલમાં રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદીમાં ક્લાસેન સૌથી મોંઘો પ્લેયર રહ્યો છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સૌથી મોંઘો પ્લેયર વિરાટ કોહલી રહ્યો છે. આરસીબીએ તેને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. બીજા નંબરનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી નિકોલસ પૂરણ રહ્યો છે જેને 21 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો છે.
ક્લાસેન રહ્યો સૌથી મોંઘો પ્લેયર
હૈદરાબાદની ટીમે આ વખતે 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા, જેમાં તેમણે હેનરિક ક્લાસેનને નંબર વન પર રાખ્યો હતો અને 23 કરોડ રુપિયા ચુકવીને રિટેન કર્યો છે. ક્લાસેન રિટેન કરેલા ખેલાડી તરીકે સૌથી વધુ વેતન મેળવનારો ખેલાડી બન્યો છે. આ ટીમે પેટ કમિન્સને 18 કરોડ, અભિષેક શર્માએ 14 કરોડ, ટ્રેવિસ હેડને 14 કરોડ અને નીતિશ રેડ્ડીને 6 કરોડમાં રિટેન કર્યા હતા.
આ પણ વાંચો – આઈપીએલ 2025 રિટેન્શન લિસ્ટ, કઇ ટીમે કયા ખેલાડીઓને કર્યા રિટેન
કોહલી સૌથી મોંઘો ભારતીય પ્લેયર
રિટેન કરવામાં આવેલા ભારતીય ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી સૌથી મોંઘો પ્લેયર રહ્યો હતો, જેને આરસીબીએ આગામી સિઝન માટે 21 કરોડ ચૂકવીને રિટેન કર્યો છે. કોહલી 2008થી આ ટીમ સાથે જોડાયેલો છે અને ગત સિઝનમાં તેણે આ ટીમ માટે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી જસપ્રીત બુમરાહ રહ્યો હતો, જેને મુંબઈએ 18 કરોડમાં રિટેન કર્યો છે, જ્યારે સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે 18 કરોડમાં રિટેન કર્યો છે.