Champions Trophy 2025 Team of the Tournament : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમના ઘણા ખેલાડીઓ એવા હતા જેમણે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. હવે આ ટૂર્નામેન્ટની સમાપ્તિ બાદ આઇસીસીએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની પસંદગી કરી છે જેમાં ભારતના 5 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે ભારતને ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને આ ટીમમાં આઇસીસીએ પસંદ કર્યો નથી.
ભારતના 5 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ
આઇસીસીની આ ટીમમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવી ટીમોમાંથી કોઇ ખેલાડી નથી. આ ટીમમાં ન્યૂઝીલેન્ડના ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને મિશેલ સેન્ટનરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આઇસીસીની આ ટીમમાં અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ છે, જેમાં ઇબ્રાહિમ ઝાદરાન અને અઝમાતુલ્લાહ ઉમરઝાઇનો સમાવેશ થાય છે.
ભારતના વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તીને આઈસીસી ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમમાં ઓપનર તરીકે રચિન રવિન્દ્ર અને ઇબ્રાહિમ ઝાદરાનને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે કોહલીની ત્રીજા નંબર પર અને શ્રેયસ ઐયરની ચોથા નંબર પર પસંદગી કરવામાં આવી છે.
કેએલ રાહુલને બેટિંગ ક્રમમાં પાંચમાં નંબર પર રાખવામાં આવ્યો હતો અને તેને ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છઠ્ઠા નંબર પર ગ્લેન ફિલિપ્સનો સમાવેશ કરાયો છે. અઝમાતુલ્લાહ ઉમરઝાઈને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારો દેખાવ કર્યો હતો.
જ્યારે મિશેલ સન્ટનેર અને વરુણ ચક્રવર્તીને સ્પિનર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલિંગ માટે શમી અને મેટ હેનરીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં 12માં ખેલાડી તરીકે અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે.
આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ
રચિન રવિન્દ્ર, ઇબ્રાહિમ ઝાદરાન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લાહ ઉમરઝાઇ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), મોહમ્મદ શમી, હેનરી હેનરી, વરુણ ચક્રવર્તી.





