ICC Ban On USA National Cricket League: અમેરિકા છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટ જગત તેના મૂળિયાને વધુ મજબુત કરી રહ્યું છે. પછી ભલે તે ટી-20 વર્લ્ડ કપની યજમાનીના રાઇટ્સ જીતવાનો હોય કે પછી ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાનો હોય. જો કે તેમના આ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (એનસીએલ) પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઇસીસી એ યુએસ ક્રિકેટ બોર્ડને પત્ર લખીને જણાવ્યું છે કે, તે આ લીગની આગામી સિઝનને માન્યતા આપશે નહીં.
લીગમાં નિયમોનું પાલન થતું નથી
આઈસીસી ના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, લીગમાં પ્લેઇંગ ઇલેવનના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. દરેક ટીમની પ્લેઈંગ ઈલેવનમાં અમેરિકાના ઓછામાં ઓછા સાત ખેલાડીઓ હોવા જોઈએ. લીગ શરૂ થાય તે પહેલાં જ અધિકારીઓને આ વાતની જાણ હતી. એટલું જ નહીં વિદેશી ખેલાડીઓને લીગમાં તક આપવા માટે અમેરિકાના ઈમિગ્રેશનના નિયમો પણ તોડવામાં આવ્યા છે.
વિઝાના નિયમોનું પણ ઉલ્લંઘન
અમેરિકામાં સ્પોર્ટસ વિઝા છ ટીમો માટે ટીમ દીઠ ઓછામાં ઓછા 2 લાખ ડોલર છે. જોકે, ઘણા ખેલાડીઓ સ્પોર્ટ્સ વિઝા પરની લીગમાં ભાગ લેવા માટે આવ્યા ન હતા. પૈસા બચાવવા માટે લેવામાં આવેલા આ પગલાથી લીગની મુશ્કેલી પણ વધી ગઈ છે.
યુએસ T20 સાથે સચિન તેંડુલકરનું કનેક્શન
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું યુએસ ટી20 લીગ સાથે ખાસ કનેક્શન છે. સચિન તેંડુલકર આ લીગના ઓનરશિપ ગ્રૂપનો ભાગ છે. તેમણે પોતે આ અંગે ઘોષણા કરતા કહ્યું, ક્રિકેટ એ મારા જીવનની સૌથી મોટી સફર રહી છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રમત માટે આવા રોમાંચક સમયે રાષ્ટ્રીય ક્રિકેટ લીગ સાથે જોડાવાનો મને આનંદ છે.
એનસીએલે તેની સાથે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોને જોડ્યા છે. જેમાં સુનીલ ગાવસ્કર, ઝહીર અબ્બાસ, વસીમ અકરમ, દિલીપ વેંગસ્કર, સર વિવિયન રિચર્ડ્સ, વેંકટેશ પ્રસાદ, સનથ જયસૂર્યા, મોઇન ખાન અને બ્લેયર ફ્રેન્કલિનનો સમાવેશ થાય છે. આ તમામ દિગ્ગજો ટીમના કોચ કે મેન્ટરની ભૂમિકા ભજવવાના હતા.





