ICC Champions trophy 2025 : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં આ ટૂર્નામેન્ટ યોજાશે. જોકે ભારત આ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ભારત સિવાય આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા અન્ય તમામ દેશો પાકિસ્તાન જવાના છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને તેની મેચો પાકિસ્તાનમાં રમાડવાને લઈને નવો પ્રસ્તાવ આપ્યો છે.
પીસીબીએ બીસીસીઆઈને આપ્યો પ્રસ્તાવ
બીસીસીઆઇએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતનો પાકિસ્તાન પ્રવાસ ભારત સરકારની મંજૂરી પર આધાર રાખે છે. જો ભારત પાકિસ્તાન નહીં જાય તો ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં યોજાય તેવી શક્યતા છે કારણ કે બ્રોડકાસ્ટર ભારતની ગેરહાજરી અંગે સમાધાન કરવા તૈયાર નથી . પીસીબી ભારતની તમામ મેચોનું આયોજન કોઈ પણ રીતે પાકિસ્તાનમાં જ કરાવવા માંગે છે અને આ માટે બીસીસીઆઈને નવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
ક્રિકબઝના જણાવ્યા અનુસાર પીસીબીએ બીસીસીઆઈને પત્ર લખીને કહ્યું છે કે ભારત પોતાની તમામ મેચ પાકિસ્તાનમાં રમે અને મેચ રમ્યા બાદ તે ચંદીગઢ કે દિલ્હી પરત ફરે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આમાં તેમની સંપૂર્ણ મદદ કરશે.
સુરક્ષાની ચિંતાના કારણે ભારત પાકિસ્તાન જવા માંગતું નથી
સુરક્ષાની ચિંતાના કારણે ભારત પાકિસ્તાન જવા માંગતું નથી અને ત્યાં રહેવા માગતું નથી. કારણ કે છેલ્લી બે ગ્રુપ મેચો વચ્ચે એક સપ્તાહનું અંતર હોવાથી પીસીબીને લાગે છે કે ભારત પાકિસ્તાનમાં ન રહે એ જ યોગ્ય વિકલ્પ છે. ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ અનુસાર ભારતની મેચો લાહોરમાં યોજાશે અને લાહોર ભારતની સરહદની નજીક છે. આ સ્થિતિમાં પીસીબીનો આ પ્રસ્તાવ કેટલો વ્યવહારિક છે તે જોવાનું રહેશે. આ સિવાય હાલમાં આવેલા એક રિપોર્ટ મુજબ ભારતની જે મેચ ન્યૂઝીલેન્ડ સામે હશે તે રાવલપિંડીમાં યોજી શકાય તેમ છે અને તે ભારતની નજીક પણ છે.
આ પણ વાંચો – ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ : ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન થશે
પીસીબીએ આઇસીસીને આપેલા કાર્યક્રમ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન થશે. ટૂર્નામેન્ટના સ્થળો લાહોર, રાવલપિંડી અને કરાચી છે. લાહોર ફાઇનલની યજમાની કરશે. આ ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે અને 4-4 ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતને બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને યજમાન પાકિસ્તાન સાથે રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાનું અભિયાન શરૂ કરશે.
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે 2008માં પાકિસ્તાન ગઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે 2008માં એશિયા કપ માટે પાકિસ્તાન ગઈ હતી. પરંતુ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ત્યાર બાદ ભારતે સુરક્ષાની ચિંતાનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો નથી. વર્ષ 2023માં એશિયા કપ માટે ભારત પાકિસ્તાન જવાનું હતું પણ બીસીસીઆઇએ સુરક્ષાની ચિંતાનું કારણ આગળ ધરીને ભારત સરકારના ઇન્કારનો હવાલો આપ્યો હતો. આ પછી આ ટૂર્નામેન્ટ એક હાઇબ્રિડ મોડેલમાં યોજાઇ હતી જેમાં શ્રીલંકાએ ભારતની મેચો અને ફાઇનલની યજમાની કરી હતી.