Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતે પાકિસ્તાનના પ્રવાસ પર જવાની ના પાડી દીધી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે હાઇબ્રિડ મોડેલમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પાસે જવાબ માંગ્યો છે. પીસીબીએ રવિવારે પુષ્ટિ કરી હતી કે તેને આઈસીસી તરફથી એક ઇ-મેઇલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પડોશી દેશની યાત્રા કરવા ના પાડી દીધી છે.
હવે અહેવાલ છે કે જો પીસીબી યજમાની કરવાનો ઇનકાર કરે છે તો ટૂર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટને મોટું નુકસાન થઈ શકે છે. આઇસીસીએ પીસીબીને હાઇબ્રિડ મોડલ વિશે ખાતરી આપી છે કે તેને સંપૂર્ણ હોસ્ટિંગ ફી અને મોટાભાગની મેચો મળશે. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો નથી. બંને ટીમો માત્ર આઇસીસી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે સ્પર્ધામાં ઉતરે છે.
ભારતની મેચ યુએઈમાં આયોજન કરવાની યોજના
એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે જ્યાં સુધી પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીમાંથી ખસી જવાનો નિર્ણય ન લે ત્યાં સુધી હાલની યોજના પ્રમાણે યુએઈમાં ભારતની મેચો અને દુબઈમાં ફાઇનલ યોજવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને જણાવી દીધું છે કે હાઈબ્રિડ મોડલ તેમને ત્યારે જ સ્વીકાર્ય છે જ્યારે ફાઈનલ પાકિસ્તાનમાં નહીં પણ દુબઈમાં યોજાય.
આ પણ વાંચો – ભારતના પૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર છોકરામાંથી છોકરી બન્યો, સર્જરી કરાવીને આર્યનમાંથી થયો અનાયા
હાઈબ્રિડ મોડલ પાકિસ્તાન સ્વીકાર કરશે?
પીસીબીએ સોમવારે બીસીસીઆઈએ દ્વારા આઈસીસીને એ સૂચિત કરવા પર કોઇ પ્રતિક્રિયા આપી નથી કે તે પોતાની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે પાકિસ્તાન નહીં મોકલે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આઇસીસીએ પીસીબીને એ વાતની પુષ્ટિ કરવા માટે કહ્યું છે કે હાઈબ્રિડ મોડલ તેમને સ્વીકાર્ય છે કે નહીં, જેમાં ભારતની મેચ અને ફાઈનલ દુબઈમાં યોજાશે.
આઈસીસીએ પીસીબીને આપી આ ખાતરી
આઇસીસીએ પીસીબીને ખાતરી આપી છે કે આ વ્યવસ્થા હેઠળ તેમને સંપૂર્ણ હોસ્ટિંગ ફી અને મોટાભાગની મેચો મળશે. સૂત્રએ કહ્યું કે આઈસીસીએ પીસીબીને કહ્યું છે કે જો તે આ મેગા ઇવેન્ટને હાઇબ્રિડ મોડલ પર હોસ્ટ કરવાનો નિર્ણય લે છે, તો તેને સંપૂર્ણ હોસ્ટિંગ ફી અને મોટાભાગની મેચો મળશે.
દક્ષિણ આફ્રિકામાં યોજાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી
જોકે સૂત્રએ એમ પણ કહ્યું હતું કે જો પીસીબી ભારતના ઈનકારને કારણે ટૂર્નામેન્ટની યજમાનીમાંથી ખસી જવાનો નિર્ણય લેશે તો આઇસીસી ટૂર્નામેન્ટને સાઉથ આફ્રિકામાં ખસેડવા અંગે વિચારણા કરી શકે છે. અગાઉ પીસીબીના એક સૂત્રએ કહ્યું હતું કે હાઇબ્રિડ મોડલ પર હજી સુધી કોઇ વાત થઇ નથી અને તેઓ આઇસીસી પાસેથી વધુ સ્પષ્ટતા માંગશે.





