ICC Code of Conduct : દુબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની બેઠકમાં મંગળવારે એશિયા કપનો વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ICC એ પાકિસ્તાની ખેલાડી હરિસ રાઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો છે, જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2025ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ સહિત ત્રણ મેચ રમાઈ હતી. આ મેચો દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઘણો તણાવ થયો હતો. જેને ICC એ આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું હતું.
દુબઈમાં આ બેઠકમાં ICC એ ભારત-પાકિસ્તાન મેચો દરમિયાન ખેલાડીઓ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘનના કેસ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ICC એ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હરિસ રાઉફ અને સાહિબજાદા ફરહાન સહિત વિવિધ મેચોમાં પાંચ ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ બધી ઘટના સપ્ટેમ્બર 2025 માં રમાયેલી ત્રણ એશિયા કપ મેચો, એટલે કે 14 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બર, ના રોજ રમાયેલી મેચો સાથે સંબંધિત છે. આ કેસોની સુનાવણી અમિરેટ્સ ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
14 સપ્ટેમ્બરે ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ એશિયા કપ મુકાબલો 14 સપ્ટેમ્બરના રોજ થયો હતો. આ મેચ વિવાદને લઇને સુનાવણી મેચ રેફરી રિચી રિચાર્ડસનએ કરી હતી.
સૂર્યકુમાર યાદવને ICC આચારસંહિતાની કલમ 2.21 ના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર આચરણ સાથે સંબંધિત છે. તેને મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – પડદા પાછળનો હીરો, જે દેશ માટે ક્યારે રમી ન શક્યા, તેમણે ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન
પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન કલમ 2.21 નું ઉલ્લંઘન કરવા બદલ સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે હરિસ રાઉફને પણ આ જ ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેની મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.
અર્શદીપ સિંહ નિર્દોષ જાહેર
આ મેચની સુનાવણી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા કરવામાં આવી હતી. ભારતના અર્શદીપ સિંહ પર કલમ 2.6 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો, જે અશોભનિય અથવા અપમાનજનક હાવભાવથી સંબંધિત છે. જોકે તપાસ બાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો અને કોઈ સજા કરવામાં આવી નથી.
જોકે ટુર્નામેન્ટ ફાઇનલમાં બે ખેલાડીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતના જસપ્રીત બુમરાહ પર કલમ 2.21 હેઠળ આરોપ મુકવામાં આવ્યો હતો અને તેમને સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. તેણે સજા સ્વીકારી લીધી હતી, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી.
આ માટે રાઉફ પર બે મેચ માટે પ્રતિબંધ મૂકાયો
રાઉફને બે વાર દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ સાથે તેના કુલ ડિમેરિટ પોઈન્ટ ચાર થઈ ગયા છે, જેનાથી તેમને બે સસ્પેન્શન પોઈન્ટ મળ્યા છે. ICC ના શિસ્ત માળખા મુજબ આ પ્રતિબંધ તેને દક્ષિણ આફ્રિકા સામેની બે વન ડે મેચોમાંથી સસ્પેન્ડ કરે છે.
ICC ના નિયમો અનુસાર જો કોઈ ખેલાડીના 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ થઇ જાય તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બે સસ્પેન્શન પોઈન્ટ એટલે એક ટેસ્ટ અથવા બે ODI/T20 મેચો માટે પ્રતિબંધ. 24 મહિના પછી ડિમેરિટ પોઈન્ટ સમાપ્ત થાય છે.





