World Cup 2023 Points Table : ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડનું વનડે વર્લ્ડ કપ 2023માં કંગાળ પ્રદર્શન યથાવત્ છે. ગુરુવારે ઇંગ્લેન્ડે શ્રીલંકા સામેની લીગ મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડની આ પાંચમી લીગ મેચ હતી અને આ ટીમ પાંચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે, ચાર મેચમાં પરાજય થયો છે. પાંચમાંથી ચાર મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડની સ્થિતિ અત્યંત કંગાળ છે, જ્યારે ભારતીય ટીમ પાંચમાંથી પાંચ મેચ જીતીને ટોચ પર છે. વર્લ્ડ કપ 2023માં બધી જ ટીમો 5-5 મેચો રમી ચુકી છે અને હવે બધી જ ટીમોએ 4-4 મેચો રમવાની બાકી છે.
ઇંગ્લેન્ડ નવમા ક્રમે પહોંચ્યું
શ્રીલંકા સામેની મેચ પહેલા ઇંગ્લેન્ડની ટીમ પોઇન્ટ ટેબલમાં આઠમાં નંબર પર હતી પરંતુ હવે આ ટીમ એક સ્થાન નીચે ઉતરીને નવમાં નંબરે સરકી ગઇ છે. ઈંગ્લેન્ડની ટીમના 5 મેચમાં માત્ર 2 પોઈન્ટ છે. શ્રીલંકા સામેની મેચમાં ઇંગ્લેન્ડની ટીમે 33.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકાએ 25.4 ઓવરમાં 2 વિકેટે 160 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો – ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપની સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારી, 18 દિવસની અંદર જ માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો
પોઇન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને
ટીમ ઇન્ડિયા વન-ડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ 5 મેચમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના હાલ 10 પોઈન્ટ છે અને આ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. આ ટૂર્નામેન્ટમાં ભારત સિવાય ભાગ લેનારી તમામ ટીમો એ હારનો સ્વાદ ચાખ્યો છે અને અત્યાર સુધી માત્ર ભારત જ અજેય ટીમ છે.

કઇ ટીમ કયા સ્થાને છે
સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે, જેણે 5માંથી 4 મેચ જીતી છે અને 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. જ્યારે ન્યૂઝીલેન્ડે પણ 5માંથી 4 મેચ જીતી છે અને આ ટીમના 8 પોઈન્ટ પણ છે. જોકે નેટ રનરેટના આધારે હાલ તે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 3 જીત અને 2 પરાજય સાથે 6 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકાની વાત કરીએ તો ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે આ ટીમના 5 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ થયા છે અને રનરેટના આધારે પોઈન્ટ ટેબલમાં 5માં નંબરે પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ 4 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. અફઘાનિસ્તાનની ટીમ 4 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને છે. બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ 2 પોઇન્ટ સાથે અનુક્રમે આઠમાં, નવમાં અને દશમાં સ્થાને છે. આ ત્રણ ટીમોના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે. તેમાં ખાસ વાત એ છે કે 2019ની વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ પણ છે. તેને કોઇ ચમત્કાર જ સેમિ ફાઇનલમાં પહોંચાડી શકે છે.





