T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024 આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં આયોજિત કરવામાં આવશે. ટી 20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. 2 જૂનથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થશે. આ વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 5-5 ટીમો છે.
સૌ પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપ 2007માં રમાયો હતો. પ્રથમ સિઝનમાં ભારતીય ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બની હતી. ટી વર્લ્ડ કપની અત્યાર સુધી 8 સિઝન રમાઇ છે. જેમાં માત્ર 6 ટીમો જ ટાઈટલ જીતી શકી છે. જેમાં ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ 2-2 વખત ચેમ્પિયન બની છે. આવો જાણીએ કયા વર્ષે કઇ ટીમ ચેમ્પિયન બની હતી.
2007 – પ્રથમ ટી 20 વર્લ્ડ કપ
ટી 20 વર્લ્ડ કપની પ્રથમ સિઝન 2007માં દક્ષિણ આફ્રિકાની યજમાનીમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં કૂલ 12 ટીમોએ ભાગ લીધો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 5 રને વિજય મેળવ્યો હતો.
2009 – બીજો ટી 20 વર્લ્ડ કપ
ટી 20 વર્લ્ડ કપની બીજી સિઝન ઇંગ્લેન્ડમાં રમાઈ હતી. આ વખતે પણ 12 ટીમો ભાગ લીધો હતો. પ્રથમ સિઝનમાં રનર અપ રહેનાર પાકિસ્તાને આ વખતે ચેમ્પિયન બન્યું હતું. લંડનમાં રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાને શ્રીલંકા સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો.
2010 – ત્રીજો ટી 20 વર્લ્ડ કપ
ટી 20 વર્લ્ડ કપની ત્રીજી સિઝન વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાઇ હતી. ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. ક્રિકેટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડનું આ પ્રથમ વર્લ્ડ કપ ટાઈટલ હતું. ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
2012 – ચોથો ટી 20 વર્લ્ડ કપ
ટી 20 વર્લ્ડ કપની ચોથી સિઝન શ્રીલંકામાં યોજાઇ હતી. આ વખતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ચેમ્પિયન બની હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં યજમાન શ્રીલંકા સામે 36 રને વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો – T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપની બધી મેચો મફતમાં જોઇ શકશો, અહીં વાંચો બધી ડિટેલ્સ
2014 – પાંચમો ટી 20 વર્લ્ડ કપ
આ વખતે બાંગ્લાદેશમાં ટી 20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારત અને શ્રીલંકાની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ટીમ ઇન્ડિયા બીજી વખત ફાઈનલમાં પહોંચી હતી. ઢાકામાં રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાએ ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો.
2016 – છઠ્ઠો ટી 20 વર્લ્ડ કપ
ટી 20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થયું હતું. ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડીઝ અને ઇંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝનો કોલકાતામાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. બીજી વખત ટાઈટલ જીતનાર વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટીમ બની હતી.
2021 – સાતમો ટી 20 વર્લ્ડ કપ
પાંચ વર્ષના લાંબા સમય બાદ ટી 20 વર્લ્ડ કપની 7મી સિઝન UAEમાં ભારતની યજમાનીમાં રમાઈ હતી. કોરોના કાળમાં રમાયેલી આ સિઝનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે વિકેટે વિજય મેળવ્યો હતો.
2022 – આઠમો ટી 20 વર્લ્ડ કપ
આઠમો ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાયો હતો. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ઇંગ્લેન્ડની ટીમ 5 વિકેટે વિજય મેળવી ચેમ્પિયન બની હતી. બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ મેળવનાર ઇંગ્લેન્ડ બીજી ટીમ બની હતી.





