ICC ODI Rankings : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અટકળો વચ્ચે ભારતીય ઓપનર રોહિત શર્મા બુધવારે ICC દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ વન ડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. 38 વર્ષીય રોહિત શર્મા આઇસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનારો સૌથી મોટી ઉંમરના બેટ્સમેનોમાં સામેલ થયો છે. રોહિત શર્માએ કારકિર્દીમાં પહેલી વખત આ સિદ્ધિ મેળવી છે.
રોહિત શર્મા 781 પોઇન્ટ્સ સાથે નંબર વન બન્યો
રોહિત શર્માએ 36 રેટિંગ પોઈન્ટ્સ મેળવીને કુલ 781 પોઈન્ટ મેળવ્યા છે. રોહિતે સાથી ખેલાડી અને ભારતીય ટેસ્ટ અને વન ડે ટીમના કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. રોહિત શર્મા અગાઉ વર્લ્ડકપ 2019 દરમિયાન કારકિર્દીના શ્રેષ્ઠ 882 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચ્યો હતો. રોહિતે 2019ના વન ડે વર્લ્ડકપમાં રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી.
રોહિત શર્માની સાત મહિના બાદ વન ડે માં શાનદાર વાપસી
રોહિતે સાત મહિના બાદ વન ડે ક્રિકેટમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. રોહિત શર્મા તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં સૌથી વધુ રન ફટકારનાર પ્લેયર બન્યો હતો. રોહિત શર્માએ ત્રણ ઇનિંગ્સમાં 101ની સરેરાશથી 202 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો – શ્રેયસ ઐયરની તબિયત હવે કેવી છે? BCCI એ આપી હેલ્થ અપડેટ
આ શાનદાર પ્રદર્શનના આધારે રોહિત શર્માએ આઇસીસી વન ડે બેટીંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. રોહિતે સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં 33મી વન ડે અને 50મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. રોહિતની સદીની મદદથી ભારતે ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું હતું.
આઈસીસી રેન્કિંગ – ટોપ 5 વન ડે બેટ્સમેન
- રોહિત શર્મા – 781 પોઇન્ટ
- ઇબ્રાહિમ ઝાદરાન – 764 પોઇન્ટ
- શુભમન ગિલ – 745 પોઇન્ટ
- બાબર આઝમ – 739 પોઇન્ટ
- ડેરિલ મિચેલ – 734 પોઇન્ટ





