ICC Player Of September 2022 Month:ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને સપ્ટેમ્બર 2022 માટે સર્વ શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરી છે. જ્યારે પુરૂષ કેટેગરીમાં પાકિસ્તાનના વિકેટ કિપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ સિધ્ધિ પોતાને નામ કરી છે.
હરમનપ્રીત કૌરે પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર જીતવાની રેસમાં પોતાની જ ટીમની ઉપ કપ્તાન સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાને પાછળ રાખી દીધી છે. જ્યારે મોહમ્મદ રિઝવાને ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કૈમરેન ગ્રીનને પછાડી બાજી મારી છે.
હરમનપ્રીત કૌરને ઇંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ શ્રેણીમાં હરમનપ્રીતે ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.
હરમનપ્રીતે પુરસ્કાર જીત્યા બાદ કહ્યું કે, પુરસ્કાર માટે નોમિનેટ થવુ એ મોટી વાત છે અને જીતવું એ શાનદાર અહેસાસ છે. સ્મૃતિ મંધાના અને નિગાર સુલ્તાના સાથે નોમિનેટ થયા બાદ વિજેતા બનતાં સારૂ લાગી રહ્યું છે. તેણીએ કહ્યું કે, દેશનું પ્રતિનિધિત્વ કરતાં મને હંમેશા ગર્વની લાગણી થાય છે અને ઇંગ્લેન્ડમાં ઐતિહાસિક વન ડે શ્રેણી જીતવું મારા કેરિયરની મોટી સિધ્ધિ પૈકી એક છે.
હરમનપ્રીત કૌર માટે સપ્ટેમ્બર મહિનો યાદગાર રહ્યો છે. ભારતમાં તેણીના નેતૃત્વમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધની શ્રેણીમાં 3-0 થી ભારતની ઐતિહાસિક જીત થઇ હતી. ભારતે 1999 પછી પહેલી વખત ઇંગ્લેન્ડ સામે આ રીતે શ્રેણી જીતી છે. હરમનપ્રીતે ત્રણ મેચમાં 221 રન બનાવ્યા હતા. પહેલી વન ડે મેચમાં અણનમ 74 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બીજી મેચમાં 111 બોલમાં 143 રન બનાવ્યા હતા.
પુરૂષ વર્ગમાં મોહમ્મદ રિઝવાને પણ સપ્ટેમ્બર મહિનામાં શાનદાર દેખાવ કર્યો છે. રિઝવાને કહ્યું કે, આવી સિધ્ધિથી પોતાનો આત્મવિશ્વાસ વધે છે. હું મારા પ્રદર્શનથી ખુશ છું. હું ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપ 2022 માં પણ આ રીતે મારૂ પ્રદર્શન બતાવવા ઇચ્છું છું. હું મારો આ પુરસ્કાર પાકિસ્તાનના એ લોકોને સમર્પિત કરૂ છું કે જેમણે પૂર સહિતની આફતથી પ્રભાવિત થયા છે.