અમેરિકાએ આર્જેન્ટીનાને 450 રને હરાવીને રચ્યો ઇતિહાસ, અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટો વિજય મેળવ્યો

icc u19 men cricket world cup qualifier : અમેરિકા તરફથી ભવ્ય મહેતાએ 91 બોલમાં 136 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઋષિ રમેશે 59 બોલમાં 100 રન બનાવ્યા

Written by Ashish Goyal
August 15, 2023 15:13 IST
અમેરિકાએ આર્જેન્ટીનાને 450 રને હરાવીને રચ્યો ઇતિહાસ, અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટો વિજય મેળવ્યો
અમેરિકાની ટીમે અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી છે (USA Cricket)

icc u19 men cricket world cup qualifier : અંડર-19 મેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અમેરિકાએ આર્જેન્ટીનાને 450 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. અમેરિકાની ટીમે અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી છે. તેણે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો દીધો છે. આ મામલે ભારત ઓસ્ટ્રેલિયા પછી ત્રીજા નંબર પર છે. આર્જેન્ટીનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ 50 ઓવરમાં 8 વિકેટે 515 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આર્જેન્ટીનાની ટીમ 19.5 ઓવરમાં 65 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

ભવ્ય મહેતાએ 91 બોલમાં 136 રન બનાવ્યા

અમેરિકા તરફથી ભવ્ય મહેતાએ 91 બોલમાં 136 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઋષિ રમેશે 59 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ સિવાય અર્જુન મહેશે 44 બોલમાં 67 રન બનાવ્યા હતા. પ્રણવ ચેટ્ટીપાલયમે 43 બોલમાં 61 રન કર્યા હતા. અમોઘ અરરેપલ્લીએ 30 બોલમાં 48 તેમજ ઉત્કર્ષ શ્રીવાસ્તવે 22 બોલમાં 45 રન કર્યા હતા. આર્જેન્ટીના તરફથી ઈગ્નાસિયો મોસ્કેરાએ 9 ઓવરમાં 96 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લુકાસ રોસી મેન્ડિઝબલે 10 ઓવરમાં 107 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ફેલિપે પિનીએ 6 ઓવરમાં 71 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ફેલિપે દાસ નેવેસે 10 ઓવરમાં 83 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો –  કોહલીએ બાબર આઝમને ગણાવ્યો ત્રણેય ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી, પ્રથમ મુલાકાતના રહસ્યો પણ ખોલ્યા

અરીન નાડકર્ણીએ 6 વિકેટ ઝડપી

આર્જેન્ટીનાની બેટિંગની વાત કરીએ તો 8 બેટ્સમેન 10થી ઓછા રનના સ્કોર પર આઉટ થયા હતા. થિયો વ્રુગ્ડેનહિલે 44 બોલમાં 18 રન કર્યા હતા. આ સિવાય ફેલિપ દાસ નેવેસે 16 બોલમાં 15 રન કર્યા હતા. ઇગ્નાસિયોએ 10 રન બનાવ્યા હતા. અમેરિકા માટે અરીન નાડકર્ણીએ 6 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય આર્યન સતીશે 3.5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પાર્થ પટેલ અને આર્યન બત્રાએ 1-1 વિકેટ ઝડપી હતી.

અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટો વિજય

અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટા વિજયની વાત કરવામાં આવે તો અમેરિકા શીર્ષ પર પહોંચી ગયું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાને હતું. તેણે જાન્યુઆરી 2002માં કેન્યાને 430 રનથી હરાવ્યું હતું. ભારતે 2002માં યુગાન્ડાને 326 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 2018માં પાપુઆ ન્યૂ મિનીને 311 રનથી હરાવ્યું હતું. 2018માં શ્રીલંકાએ કેન્યાને 311 રનથી હરાવ્યું હતું. 2002માં વેસ્ટ ઇન્ડીઝે સ્કોટલેન્ડને 301 રને હરાવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ