India vs South Africa U19 Women’s T20 World Cup Final : ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી મહિલા અંડર 19 ટી 20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. કુઆલાલમ્પૂરના બયુમાસ ઓવલમાં રમાયેલી ફાઇનલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતની અંડર 19 મહિલા ટીમને 83 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ભારતે 11.2 ઓવરમાં મેળવી લીધો હતો.
ભારતીય ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની
ભારતની મહિલા ટીમ સતત બીજી વખત અંડર 19 ટી 20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. આ પહેલા 2023માં શેફાલી વર્માની કેપ્ટનશિપમાં આ ટૂર્નામેન્ટની ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. હવે 2025માં બીજી સિઝનમાં નિક્કી પ્રસાદની કેપ્ટન્સીમાં ભારત ફરી ચેમ્પિયન બન્યું છે. ભારત સતત બે વખત આ ટાઈટલ જીતી ચૂક્યું છે અને આઇસીસીના ઈતિહાસમાં ભારતે પહેલી વખત તેના ટાઈટલને ડિફેન્ડ કર્યું છે.
ભારતને આસાન જીત મેળવી
ભારતે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે આસાન જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 82 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 83 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 11.2 ઓવરમાં એક વિકેટે 84 રન બનાવી મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો – રણજી ટ્રોફી : વિરાટ કોહલીની સુરક્ષામાં ચુક, 3 પ્રશંસકો મેદાનમાં ઘુસ્યા, ત્રણ દિવસમાં બીજી ઘટના
દક્ષિણ આફ્રિકાના ચાર પ્લેયર શૂન્ય રને આઉટ
ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમની બોલિંગ કમાલની રહી હતી અને આ દર્શનીય બોલિંગની સામે વિરોધી ટીમે સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના ચાર પ્લેયર શૂન્ય રને આઉટ થયા હતા. જ્યારે 7 ખેલાડી 10 રનના આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા.
સાઉથ આફ્રિકા તરફથી ટોપ સ્કોરર મીકે વાન વુર્સ્ટે 23 રન ફટકાર્યા હતા, જ્યારે ઓપનર જેમ્મા બોથાએ 16 રન અને ફે કાઉલિંગે 15 રન ફટકાર્યા હતા.
ભારતની શાનદાર બોલિંગ
ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ ગોંગાડી ત્રિશાએ કરી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય પારુનિકા સિસોદિયાએ 4 ઓવરમાં 6 રન આપીને 2 વિકેટ, આયુષી શુક્લાએ 4 ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ, વૈષ્ણવી શર્માએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. શબનમ શકીલે 2 ઓવરમાં 7 રન આપીને એક વિકેટ ઝડપી હતી.