India vs Australia ICC Women World Cup 2025, 2nd Semi-Final : ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જેમિમાહ રોડ્રિગ્સની અણનમ સદી (127) અને હરમનપ્રીત કૌરના 89 રનની મદદથી ભારતીય મહિલા ટીમે બીજી સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 338 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 48.3 ઓવરમાં 5 વિકેટે 341 રન બનાવી મેચ જીતી લીધી હતી. ભારત હવે 2 નવેમ્બરને રવિવારના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયાના 8 વર્ષનો વિજય રથ ભારતે રોક્યો
આ જીત સાથે ભારતે વિમેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના આઠ વર્ષથી ચાલી આવતા વિજય રથને અટકાવી દીધો છે. વિમેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અગાઉ 2017માં હારી ગઈ હતી. ત્યાર બાદ તે એક પણ મેચ હારી ન હતી. ખાસ વાત એ છે કે 2017માં પણ ભારતે મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાત વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે.
ભારત ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં
ભારતે ત્રીજી વખત મહિલા વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું છે. અગાઉ ભારતીય ટીમ 2005 અને 2017માં રનર્સ અપ રહી હતી. આ વખતે નવું વર્લ્ડ ચેમ્પિયન બનશે. 2 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલ રમાશે. બંને ટીમો અત્યાર સુધી એક વખત પણ વર્લ્ડ કપ જીતી શકી નથી.
વર્લ્ડ કપ નોકઆઉટમાં પહેલીવાર 300+ રનનો સફળતાપૂર્વક પીછો કર્યો
વન-ડે વર્લ્ડ કપ (પુરુષ કે મહિલા)ના નોકઆઉટમાં 300થી વધુના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. આ પહેલા મેન્સ વર્લ્ડ કપ 2015ની સેમિફાઇનલમાં સૌથી વધુ રનનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે 298 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન
ભારત : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, એન શ્રી ચરાણી, રેણુકા સિંહ.
ઓસ્ટ્રેલિયા : એલિસા હેલી (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મૂની, અન્નાબેલ સધરલેન્ડ, એશલે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, સોફી મોલિનક્સ, કિમ ગાર્થ, અલાના કિંગ, મેગન શ્યોટ.





