Women’s T20 World Cup 2024, મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024 : વિશ્વની ટોચની મહિલા ક્રિકેટ ટીમો હાલ યુએઈમાં છે. મહિલા ટી 20 વર્લ્ડ કપની શરુઆત થઇ ગઇ છે. નવમી વખત યોજાઈ રહેલી આ ટૂર્નામેન્ટનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. જોકે ત્યાંની રાજકીય પરિસ્થિતિને જોતા આઇસીસીએ આ જવાબદારી યુએઈને આપી હતી. આ ટૂર્નામેન્ટ અનેક રીતે ઐતિહાસિક છે.
મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024ની ખાસ વાતો
- મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જોકે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં માત્ર 10 ટીમો જ ભાગ લઇ રહી છે. આ 10 ટીમોને પાંચ-પાંચ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
- ભારતને ગ્રુપ-એ માં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-બી માં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝનો સમાવેશ થાય છે.
- ભારત 4 ઓક્ટોબરે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી રવિવારે પાકિસ્તાન સામે મુકાબલો થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 9 ઓક્ટોબરે મુકાબલો થશે. આ પછી તે 13 ઓક્ટોબરે છેલ્લી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
- પ્રત્યેક ગ્રુપમાંથી બે-બે ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશશે. આવી સ્થિતિમાં ભારત માટે તેના ગ્રુપની દરેક મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પણ ભૂલ તેને સેમિ ફાઈનલથી દૂર લઈ જઈ શકે છે.
- ટી-20 વર્લ્ડકપની આ 9મી સિઝન છે. ઓસ્ટ્રેલિયાએ છ વખત આ ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લી ત્રણ વખતથી ચેમ્પિયન છે. ઈંગ્લેન્ડે 2009માં પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યો. આ એકમાત્ર એવી સિઝન હતી કે જ્યારે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પ્રવેશ્યું ન હતું. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર પરાજય 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે થયો હતો.
આ પણ વાંચો – મહિલા ટી 20 વર્લ્ડ કપ કાર્યક્રમ, ફોર્મેટ, રેકોર્ડ સહિત બધી માહિતી
- આ વખતે પહેલી વખત એવું બની રહ્યું છે જ્યારે વિમેન્સ ટૂર્નામેન્ટની ઈનામી રકમ મેન્સ ટૂર્નામેન્ટ જેટલી જ હશે. વિજેતા ટીમને લગભગ 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. રનર્સ અપ ટીમને 14 કરોડ રૂપિયા આપવામાં આવશે.
- આ ટૂર્નામેન્ટમાં પહેલી વખત કોઈ પુરુષ મેચ ઓફિશિયલ રીતે જોવા નહીં મળે. આઇસીસીએ 10 અમ્પાયર અને ત્રણ મેચ રેફરીના નામની જાહેરાત કરી હતી અને તમામ મહિલાઓ છે. ડીઆરએસ તમામ 28 મેચો માટે ઉપલબ્ધ રહેશે.
- આઇસીસીએ આ ટૂર્નામેન્ટ માટેની કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરી દીધી છે. આ પેનલમાં ભારતની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ, અંજુમ ચોપરા અને ભારતના ભૂતપૂર્વ કોચ ડબલ્યુવી રમન સામેલ છે. કેટી માર્ટિન, મેલ જોન્સ, લિસા સ્ટાલેકર, સ્ટેસી એન કિંગ, લિડિયા ગ્રીનવે, કાર્લોસ બ્રેથવેટ અને પાકિસ્તાનની ભૂતપૂર્વ કેપ્ટન સના મીર પણ સામેલ છે. આ સિવાય નતાલી જર્મનોસ, ઇયાન બિશપ, કાસ નાયડુ, નાસિર હુસૈન, એલિસન મિશેલ અને મ્યુપેલેલો મબાંગવા પણ કોમેન્ટ્રી કરતા જોવા મળશે.





