IND U19 vs AUS U19, Vaibhav Suryavanshi Century : વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. આઇપીએલમાં 35 બોલમાં સદી ફટકાર્યા બાદ અંડર-19 ક્રિકેટમાં પણ તેનું સાતત્યભર્યું ફોર્મ જારી રહ્યું છે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી યુથ વન ડે શ્રેણીમાં સદી ફટકાર્યા બાદ હવે તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ સદી ફટકારી છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી યુથ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 78 બોલમાં સદી ફટકારી હતી. આ સદીની ઇનિંગ્સ બાદ વૈભવે પોતાના નામે એક નહીં પણ ત્રણ મોટા રેકોર્ડ બનાવ્યા છે.
વૈભવ સૂર્યવંશીએ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ લેજન્ડ બ્રેન્ડન મેક્કુલમના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ સદીની સાથે તેમણે ઇતિહાસના પાનાઓ પર પોતાનું નામ પણ નોંધાવ્યું છે. આ સિવાય વૈભવે છગ્ગાનો ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. વૈભવ સૂર્યવંશીએ તેની ઇનિંગ્સમાં 86 બોલમાં 113 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ 3 મોટા રેકોર્ડ બનાવ્યા
- ભારતના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ યુથ ટેસ્ટમાં બે સદી 100 બોલની અંદર પુરી કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ રેકોર્ડ અગાઉ માત્ર ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ પ્લેયર બ્રેન્ડન મેક્કુલમના નામે હતો. અગાઉ વૈભવે 2024માં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે 58 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે આ મેચમાં તેણે વધુ 78 બોલમાં બીજી યુથ ટેસ્ટ સદી ફટકારી હતી. તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે ઇતિહાસ રચી દીધો છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યા વન ડે શ્રેણીમાંથી બહાર થશે? 6 વર્ષમાં 4 વન ડે રમનાર ઓલરાઉન્ડરની થઇ શકે છે વાપસી
- વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સૌથી ઝડપી યુથ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લિયામ બ્લેકફોર્ડના નામે નોંધાયો હતો, જેણે 2023માં ઈંગ્લેન્ડ અંડર-19 સામે 124 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે સૂર્યવંશીએ તેના કરતાં 46 બોલ ઓછા રમીને આ રેકોર્ડ નોંધાવ્યો છે.
- વૈભવ સૂર્યવંશીએ આ ઇનિંગમાં કુલ 8 સિક્સર ફટકારી હતી અને ભારત માટે યુથ ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. હવે યુથ ટેસ્ટમાં કુલ મળીને 15 સિક્સર તેના નામે નોંધાઇ છે. તેણે પોતાના સાથી ખેલાડી આયુષ માત્રે (10)ને પાછળ છોડી દીધો છે. અગાઉ તે યુથ વન ડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં પણ ટોચ પર આવ્યો હતો. આ જ પ્રવાસમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે ઉન્મુક્ત ચંદ (38)નો રેકોર્ડ તોડી નાખ્યો હતો.