Ind vs Afg Double Super Over : ભારતીય ટીમે સુપર ઓવરમાં જીતનો 100 ટકા રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી રોમાંચક મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એવી સૌપ્રથમ મેચ છે જેમાં બે સુપર ઓવર રમાઈ હતી. શ્રેણીની આખરી અને ત્રીજી ટી-20 મેચ પહેલા 212ના સ્કોર પર ટાઇ પડી હતી. આ પછી 17 રનના સ્કોર પર પ્રથમ સુપર ઓવર ટાઈ થઈ હતી. બીજી સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાન માત્ર એક જ રન બનાવી શક્યું હતું. સુપર ઓવરમાં ભારત અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી.
પાકિસ્તાન સામે પ્રથમ વખત ટાઈ થઈ ટી-20 મેચ
ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતના પાંચ મુકાબલા ટાઈ રહ્યા છે. ટી-20માં ભારતની સૌપ્રથમ મેચ 2007માં ટાઈ થઈ હતી. ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ ટાઈ થઈ હતી, જેનો નિર્ણય બોલ આઉટથી લેવાયો હતો. ભારતે આ મેચમાં જીત મેળવી હતી.
2020માં સુપર ઓવરમાં સતત બે મેચ ગઈ હતી
વર્ષ 2020માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 શ્રેણી રમાઇ હતી, જેમાં બે મેચ બેક ટૂ બેક ટાઇ રહી હતી અને સુપર ઓવરમાં ગઈ હતી. પ્રથમ મેચ 29 જાન્યુઆરી 2020ના રોજ રમાઈ હતી જે 179ના સ્કોર પર ટાઈ થઈ હતી. સેડ્ડન પાર્કમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 રન બનાવીને મેચ જીતી લીધી હતી
આ પણ વાંચો – રોહિત શર્મા અને રિંકુ સિંહે 95 બોલમાં 190 રનની ભાગીદારી નોંધાવી, તોડી નાખ્યા ઘણા રેકોર્ડ
બે દિવસ બાદ બંને ટીમો વચ્ચે ફરી 165ના સ્કોર પર મેચ ટાઈ થઈ હતી. અહીં ન્યૂઝીલેન્ડે પ્રથમ 13 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 16 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
2022માં ન્યૂઝીલેન્ડ સામે ફરીથી ટાઈ
20 નવેમ્બર 2022ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડની દ્વિપક્ષીય શ્રેણીમાં રમાયેલી મેચ ટાઈમાં પરિણમી હતી. વરસાદના વિઘ્ન બાદ આ મેચ ડીએલએસને કારણે ટાઈ થઈ હતી, એટલે સુપરઓવર થયું ન હતું.