રોહિત શર્માને ભલે સિક્સ પેક એબ્સ ના હોય, પણ ટી-20 મેચ માટે એકદમ પરફેક્ટ પ્લેયર

Rohit Sharma Fitness : રોહિત શર્મા શાનદાર ક્રિકેટ રમી રહ્યો હોવા છતા તેની ફિટનેસ પર વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે

Written by Ashish Goyal
January 18, 2024 16:54 IST
રોહિત શર્માને ભલે સિક્સ પેક એબ્સ ના હોય, પણ ટી-20 મેચ માટે એકદમ પરફેક્ટ પ્લેયર
રોહિત શર્માએ ત્રીજી ટી-20માં 76 બોલનો સામનો કર્યો અને 145 રન બનાવ્યા હતા (તસવીર - રોહિત શર્મા ટ્વિટર)

Rohit Sharma : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ટી-20 ઘણી રોમાંચક અને ડ્રામાથી ભરપુર રહી હતી. ત્રીજી ટી-20 ટાઇ પડતા સુપર ઓવરમાં મેચનું પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ સુપર ઓવર ટાઈ પડતા બીજી સુપર ઓવર રમાઇ હતી. જેમાં ભારતે જીત મેળવી શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ મેચમાં ભારતે કુલ 239 રન બનાવ્યા હતા અને તેમાંથી 145 રન રોહિત શર્માના હતા. ટીમ ઈન્ડિયાએ બીજી સુપર ઓવરમાં જીત મેળવી હતી. જેમાં રોહિતે એકલાએ ભારત માટે તમામ 11 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા શાનદાર ક્રિકેટ રમી રહ્યો હોવા છતા તેની ફિટનેસ પર વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે. વિકેટની વચ્ચે દોડવાનું હોય કે ફિલ્ડિંગ કરતી વખતે રન બચાવવાની વાત હોય. રોહિતની દરેક બાબતમાં ટીકા થાય છે. વિરાટ કોહલી સાથે સરખામણી કરવામાં આવે તો રોહિત શર્મા ફિટ નથી. તેણે હવે નિવૃત્ત થવું જોઈએ તેવા નિવેદનો ઘણી વખત સાંભળતા મળે છે. જોકે આ મેચમાં રોહિતે પોતાની ફિટનેસ દેખાડી હતી. તેણે સાબિત કર્યું કે ભલે તે યુવાનોને પસંદ પડે તેવા સિક્સ પેક એબ્સ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો નથી. પરંતુ ક્રિકેટના મેદાનમાં તેના કરતા વધુ ફિટ અને ઉપયોગી કોઈ ખેલાડી નથી.

આ પણ વાંચો – પ્રથમ સુપર ઓવરમાં રિટાયર થયો રોહિત શર્મા, બીજીમાં બેટિંગ કરવા માટે કેવી રીતે આવ્યો, શું કહે છે નિયમ

ભારત-અફઘાનિસ્તાન મેચમાં રોહિત શર્મા ત્રણ વખત બેટિંગ કરવા આવ્યો હતો અને એક વખત પણ અફઘાનિસ્તાનના બોલરો તેની વિકેટ લઈ શક્યા ન હતા. તે પ્રથમ દાવમાં 121 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. પ્રથમ સુપર ઓવરમાં 13 રન બનાવ્યા પછી તેણે ચાલાકી વાપરી રિટાયર થઇને પેવેલિયન પરત ફર્યો. બીજી સુપર ઓવરમાં તે 11 રન બનાવીને રનઆઉટ થયો હતો.

આ મેચમાં તેણે કુલ 76 બોલનો સામનો કર્યો અને 145 રન બનાવ્યા. રોહિત શર્મા આ સિરીઝની પ્રથમ બે મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. બે ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા બાદ તેની ભારે ટીકા થઈ રહી હતી. જોકે સિરીઝની છેલ્લી મેચમાં રોહિતે ટીકાકારોને પોતાના બેટથી જવાબ આપ્યો હતો.

કેપ્ટનશિપના મામલે પણ તે સુપરહિટ સાબિત થયો હતો. તે ટી-20માં ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો છે. તેણે ટીમ ઈન્ડિયાને ટી-20માં 42મી જીત અપાવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ