IND vs AUS 2nd ODI Match Playing 11 : શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુરુવારે (23 ઓક્ટોબર) એડિલેડના એડિલેડ ઓવલમાં ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ વનડેમાં ભારતને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી નિરાશાજનક હતી. બંને અનુભવી ખેલાડીઓ ગ્રીન પિચ પર સસ્તામાં આઉટ થયા હતા.
એડિલેડમાં બીજી મેચ પહેલા બેટિંગ કોચ સિતાંશુ કોટકને પૂછવામાં આવ્યું હતું કે શું રોહિત-વિરાટ શ્રેણી પહેલા પણ લયમાં નથી? કોટકે જવાબ આપ્યો કે મને એવું નથી લાગતું. તેઓ આઈપીએલ રમ્યા હતા. તૈયારી ખૂબ સારી રહી છે. મને લાગે છે કે બંનેને ઘણો અનુભવ છે. ઓસ્ટ્રેલિયા આવતા પહેલા તેમની પાસે તૈયારી કરવાનો સમય હતો અને તેઓએ તેની ભરપાઈ કરી હતી. મને લાગે છે કે પ્રથમ મેચમાં હવામાને ચોક્કસપણે ભૂમિકા ભજવી હતી. કારણ કે જો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હોત તો પણ પરિસ્થિતિ આવી જ હોત. જ્યારે તમને ખબર નથી કે તમારે કેટલી ઓવર રમવાની છે, ત્યારે આયોજન કરવું સરળ નથી. 4-5 બ્રેક હતા. દર 2 ઓવરમાં તમે અંદર જઈ રહ્યા છો, બહાર આવી રહ્યા છો. તે ખૂબ જ મુશ્કેલ છે.
ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ ઇલેવનમાં બે ફેરફારની શક્યતા
ભારતીય ટીમ બીજી વન-ડેમાં બેટિંગ ક્રમમાં ફેરફાર કરે તેવી સંભાવના ઓછી છે. કુલદીપ યાદવને આ મેચમાં પણ બેન્ચ પર બેસવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ વન ડેમાં ઉપલબ્ધ ન રહેલા એડમ ઝમ્પા અને જોસ ઇંગ્લિસ ટીમમાં પુનરાગમન કરી શકે છે. મેથ્યુ કુહનેમેન અને જોશ ફિલિપને બહાર કરવામાં આવી શકે છે.
એડિલેડ ઓવલમાં ભારતનો રેકોર્ડ
એડિલેડ ઓવલ 50 ઓવરના ફોર્મેટમાં ભારત માટે પ્રમાણમાં સફળ મેદાન રહ્યું છે. ભારતે એડિલેડ ઓવલમાં 15 માંથી 9 મેચ જીતી છે. આમાં આઇસીસી વર્લ્ડ કપ 2015 દરમિયાન પાકિસ્તાન સામેની જીતનો સમાવેશ થાય છે.
એડિલેડ ઓવલ વિરાટ માટે ખાસ
વિરાટ કોહલી એડિલેડ ઓવલ ખાસ છે. વિરાટ કોહલીએ આ મેદાન પર 4 વન ડેમાં 61ની સરેરાશથી 244 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. વિરાટ કોહલીએ આ મેદાન પર તમામ ફોર્મેટમાં કુલ 975 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 141 રનનો સૌથી વધુ સ્કોર સામેલ છે. કોહલીએ એડિલેડમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.
આ પણ વાંચો – મોહમ્મદ શમી અને અગરકર વચ્ચે શાબ્દિક જંગ! ફિટનેસ પર બન્નેના અલગ-અલગ નિવેદન, કોણ સાચું, કોણ ખોટું?
એડિલેડ ઓવલ પિચ રિપોર્ટ
એડીલેડ ઓવલની પીચ બેટ અને બોલ વચ્ચે સારું સંતુલન પૂરું પાડશે તેમ મનાય છે. આ મેદાન પર તાજેતરમાં રમાયેલી મેચોમાં પિચ બેટ્સમેનો માટે અનુકૂળ રહી છે. તેમાં સારો બાઉન્સ છે અને સ્પિનરો માટે પણ થોડી મદદ છે. જોકે જેમ જેમ મેચ આગળ વધતી જાય છે તેમ તેમ તે વધુ બેટિંગ ફ્રેન્ડલી બની જાય છે. ખાસ કરીને જો પીચ વધુ સુકાઈ જાય તો મિડલ ઓવરોમાં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બની શકે છે.
આ અઠવાડિયે થોડો વરસાદ પડ્યો હોવા છતાં મેચ અગાઉ પિચની તૈયારી સુનિશ્ચિત કરવા માટે યુવી (અલ્ટ્રા વાયોલેટ) લાઇટ ડ્રાયિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે રમત માટે અનુકૂળ પરિસ્થિતિ જાળવવામાં મદદ મળી હતી.
એડિલેડમાં હવામાનની આગાહી
AccuWeather અનુસાર, 23 ઓક્ટોબર, 2025 ના રોજ એડિલેડની હવામાનની આગાહી મુજબ આખો દિવસ આકાશ ક્લિન રહેશે, હળવો સૂર્યપ્રકાશ રહેશે. તાપમાન 11 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. વરસાદની સંભાવના માત્ર એક ટકા છે.
ભારત સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઇંગ ઇલેવન
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, એલેક્સ કેરી, કૂપર કોનોલી, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ.