World Cup 2027 : ભારતીય ક્રિકેટમાં આ સમયે સૌથી મોટી ચર્ચા એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વન-ડે કારકિર્દી ક્યાં સુધી ચાલશે? શું આ બંને 2027ના વર્લ્ડ કપ સુધી રમી શકશે? ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતના બંને દિગ્ગજ ખેલાડીઓ માટે રસ્તો આસાન નહીં રહે, કારણ કે વન ડે ક્રિકેટ બહુ વધારે રમાતી નથી. લાંબા વિરામ પછી રમતી વખતે બંને રન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં આ બાબત સ્પષ્ટપણે જોવા મળી છે.
એડીલેડમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં ભારતીય ટીમ ફરી એક વખત ટોસ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરવા માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ હતી અને રોહિત શર્મા ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. રોહિત જોશ હેઝલવુડ સામે સંઘર્ષ કરી રહ્યો ન હતો અને શરૂઆતમાં રન પણ બનાવી શક્યો ન હતો. જોકે આ પછી લય મેળવતા 97 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 73 રન બનાવ્યા હતા.
રોહિત પરનું દબાણ હટાવવાના પ્રયાસમાં ગિલ આઉટ થયો
રોહિત શર્મા 28 બોલમાં 8 રન બનાવીને ક્રિઝ પર હતો. શુભમન ગિલ 8 બોલમાં 8 રન બનાવીને ક્રિઝ પર હતો. ગિલ રંગમાં જોવા મળી રહ્યો હતો. તે બોલને કનેક્ટ કરી રહ્યો હતો પરંતુ એક છેડેથી રન ન હોવાને કારણે તે જોખમ લઈને આઉટ થઈ ગયો હતો. સાતમી ઓવરના પહેલા બોલ પર ગિલ આઉટ થયો હતો. ઝેવિયર બાર્ટલેટને વિકેટ મળી હતી.
કોહલી-વિરાટ માટે મેદાન પર સમય પસાર કરવો જરૂરી છે
ગિલના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. પર્થ બાદ તે એડીલેડમાં પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. કોહલી વન ડે કારકિર્દીમાં પહેલી વખત સતત બે મેચમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. કોહલી અને રોહિતનો સંઘર્ષ દર્શાવે છે કે મેદાન પર સમય પસાર કરવો કેટલો મહત્વનો છે. ખેલાડી ગમે તેટલો મોટો હોય, લાંબા બ્રેક બાદ મેદાન પર ઉતરતાની સાથે જ તે રન બનાવવાનું શરુ કરી શકતો નથી.
આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવે પત્નીનો નંબર કયા નામથી કર્યો છે સેવ, કર્યો ખુલાસો
વન-ડે મેચો ઘણી ઓછી જોવા મળે છે
હાલના સમયમાં વન-ડે મેચો ઘણી ઓછી જોવા મળે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ રોહિત-વિરાટ લાંબા બ્રેક બાદ મેદાન પર પાછા ફરશે, ત્યારે તેઓ લય મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળશે. જેના કારણે બંને પર દબાણ વધશે અને તેમના ભવિષ્યની વાતો થશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ તેમને થોડો સમય આપી શકે છે, પણ કેટલો?
ભારત પાસે જે પ્રકારનો ટેલેન્ટ પૂલ છે, તે જોતા સંઘર્ષશીલ દિગ્ગજોએ ક્યારેકને ક્યારેક ભવિષ્ય વિશે વાત કરવી પડશે. જો બંને ખેલાડીઓએ 2027નો વર્લ્ડ કપ રમવો હોય તો રન ફટકારવા પડશે. રન બનાવવા માટે મેદાન પર સમય પસાર કરવો જરૂરી છે. આ માટે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું પડશે. સાથે જ જ્યારે પણ તેમને તક મળશે ત્યારે તેમણે ઈન્ડિયા એ તરફથી પણ રમવું પડશે.