બોલરોના શાનદાર પ્રદર્શન પછી ઉસ્માન ખ્વાજાની અડધી સદી (60)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 109 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 156 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ 47 રનની લીડ મેળવી છે અને તેની 6 વિકેટો બાકી છે. દિવસના અંતે પીટર હેડ્સકોમ્બ 7 અને કેમરુન ગ્રીન 6 રને રમતમાં છે.
ઉસ્માન ખ્વાજાની અડધી સદી
ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 9 રને એલબી આઉટ થયો હતો. આ પછી ઉસ્માન ખ્વાજા અને લાબુશેને 96 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. લાબુશેન 31 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ઉસ્માન ખ્વાજા 60 રને આઉટ થયો હતો. સ્ટિવન સ્મિથ 26 રને જાડેજાનો ચોથો શિકાર બન્યો હતો. ચારેય વિકેટ જાડેજાએ ઝડપી હતી.
આ પણ વાંચો – અનુષ્કા, પરિવાર અને બાળપણના કોચ સિવાય ફક્ત એમએસ ધોનીએ મારી મદદ કરી, RCBના પોડકાસ્ટ પર વિરાટ કોહલીનો ખુલાસો
ભારત 109 રનમાં ઓલઆઉટ
ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 22 રન બનાવ્યા હતા. આ સિવાય શુભમન ગિલે 21, કેએસ ભરતે 17, ઉમેશ યાદવે 17 અને રોહિત શર્મા-અક્ષર પટેલે 12-12 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ કુહનેમને સૌથી વધારે 5 વિકેટો ઝડપી હતી. નાથન લાયનને 3 અને મુર્ફીને 1 વિકેટ મળી હતી.
ભારતની ટીમમાં બે ફેરફાર
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. કેએલ રાહુલ અને મોહમ્મદ શમીના સ્થાને શુભમન ગિલ અને ઉમેશ યાદવનો સમાવેશ કરાયો હતો.