Champions Trophy 2025 : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એ ધારણાને ફગાવી દીધી છે કે દુબઈમાં તમામ મેચ રમવાથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની ટીમને ફાયદો થઈ રહ્યો છે. રોહિત શર્માએ કહ્યું કે આ તેમનું હોમગ્રાઉન્ડ નથી અને પિચોછી તેમની ટીમને જુદા-જુદા પડકારો મળી રહ્યા છે.
પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ કહ્યું છે કે તમામ મેચો એક જ સ્થળે રમવાથી ભારતને અન્ય ટીમો કરતાં વધુ સારી રીતે અનુકૂળ થવામાં મદદ મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 4 માર્ચે ટકરાશે.
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દર વખતે પિચમાં અલગ પડકાર હોય છે. અહી અમે ત્રણ મેચ રમ્યા છીએ અને ત્રણેય મેચમાં પિચની પ્રકૃતિ અલગ-અલગ રહી છે. આ અમારું ઘર નથી, આ દુબઈ છે. અમે અહીં એટલી બધી મેચો રમ્યા નથી. તે અમારા માટે પણ નવું છે. રોહિતે કહ્યું કે તેની ટીમે ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલ અગાઉ તત્કાળ પરિસ્થિતિને અનુકૂળ થવું પડશે.
મને ખબર નથી કે સેમિ ફાઈનલમાં કઈ પિચ હશે – રોહિત શર્મા
રોહિત શર્માએ કહ્યું કે અહીં ચાર કે પાંચ પિચોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મને ખબર નથી કે સેમિ ફાઈનલમાં કઈ પિચ હશે. પરંતુ તે જે પણ હોય, આપણે પોતાને અનુકૂળ થવું પડશે અને તેના પર રમવું પડશે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ મેચનું ઉદાહરણ આપતા કહ્યું કે આપણે જોયું કે જ્યારે બોલરો બોલિંગ કરી રહ્યા હતા અને તે સ્વિંગ લઈ રહી હતી. પ્રથમ બે મેચમાં એવું ન હતું. ગત મેચમાં અમે જોયું હતું કે અમને એટલી સ્પિન મળી રહી નથી. તેથી જુદી જુદી પિચો પર જુદા જુદા પડકારો છે. અમને ખબર નથી કે પિચ કેવી હશે કે નહીં.
આ પણ વાંચો – શમા મોહમ્મદ કોણ છે? જેણે રોહિત શર્મા પર કરી ટિપ્પણી, થઇ ગઇ બબાલ
વર્ષ 2011ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને આઇસીસીની નોકઆઉટ મેચોમાં હરાવ્યું નથી. આ વિશે રોહિતે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા શાનદાર ટીમ છે. અમે વિરોધી ટીમને સમજીએ છીએ, તેઓ કેવી રીતે રમે છે. આપણે છેલ્લી ત્રણ રમતોમાં જે રીતે રમ્યા છીએ તે રીતે રમવું પડશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સેમિફાઇનલ ખૂબ જ પડકારજનક હશે. બંને ટીમો પર જીતવાનું દબાણ રહેશે. રોહિતે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એક મુશ્કેલ પડકાર ઉભો કરશે પરંતુ તેમની ટીમ તેનો સામનો કરવા માટે સક્ષમ છે.
4 સ્પિનરને રમાડવા પર રોહિત શર્માએ શું કહ્યું
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલમાં ચાર સ્પિનરોની સાથે રમવા ઉતરશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપી ન હતી. જોકે તેણે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામે વરુણ ચક્રવર્તીના શાનદાર પ્રદર્શન બાદ આ એક આકર્ષક વિકલ્પ છે. ભારતે ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને તક આપી હતી. આ ચોકડીએ ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. સ્પિનર્સે 10માંથી 9 વિકેટ ઝડપી હતી. .
રોહિત શર્માએ કહ્યું કે અમારે ખરેખર વિચારવું પડશે કે જો અમે ચાર સ્પિનરોને રમાડવા માંગીએ છીએ, તો અમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. હું આ કહી રહ્યો છું કારણ કે આપણે અહીંની પરિસ્થિતિઓને ખૂબ સારી રીતે જાણીએ છીએ અને આપણે જાણીએ છીએ કે શું કાર્ય કરે છે અને શું નથી કરતું. એટલે આપણે વિચારીશું કે કયું કોમ્બિનેશન સાથે રમવું એ યોગ્ય બાબત છે, પણ એ એક આકર્ષક વિકલ્પ છે. ”





