scorecardresearch

અમદાવાદમાં ચોથી ટેસ્ટ : ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ

Narendra Modi Stadium : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા, ઉસ્માન ખ્વાજા 104 રને રમતમાં

અમદાવાદમાં ચોથી ટેસ્ટ : ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ
ઉસ્માન ખ્વાજાએ ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી ફટકારી (Express photo by Nirmal Harindran)

ઉસ્માન ખ્વાજાની અણનમ સદી (104) અને કેમરુન ગ્રીનના અણનમ 49 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે રમાતી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે પ્રભુત્વ બનાવ્યું છે. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી 255 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા 104 અને કેમરુન ગ્રીન 49 રને રમતમાં છે. ઉસ્માન ખ્વાજાએ ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. આ સાથે જ તે 2015 પછી ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો છે. છેલ્લે 2015માં ડેવિડ વોર્નરે ફટકારી હતી.

ઉસ્માન ખ્વાજાની સદી

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેડ અને ઉસ્માન ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી હતી. હેડ 32 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. લાબુશેન 3 રને આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાજાએ એક છેડો સાચવી રાખી અડધી સદી ફટકારી હતી. સ્ટિવ સ્મિથે સારો સાથ આપતા 38 રન બનાવ્યા હતા. તે જાડેજાનો શિકાર બન્યો હતો. ખ્વાજાએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. કેમરુન ગ્રીન (49) સાથે અણનમ 85 રનની ભાગીદારી નોંધાવી છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 વિકેટ, જ્યારે અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી છે.

પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમમાં હાજર રહ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મેચ પહેલા નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના પીએમે સ્ટિવ સ્મિથને વિશેષ કેપ આપી હતી. ક્રિકેટના માધ્યમથી ઓસ્ટ્રેલિયા સાથે 75 વર્ષની ઉજવણી મનાવવાના પ્રતીક સ્વરુપ બીસીસીઆઈના સચિવ જય શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક કલાકૃતિ ભેટ કરી હતી.

બન્ને ટીમો આ પ્રકારે છે

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેસય ઐયર, કેએસ ભરત, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા – ઉસ્માન ખ્વાજા, કેમરુન ગ્રીન, માર્નસ લાબુશેન, સ્ટિવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેડ્સકોમ્બ, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનેમેન.

Web Title: Ind vs aus live score updates 4th test day 1 from narendra modi stadium in ahmedabad

Best of Express