ભારત વિ ઓસ્ટ્રેલિયા : પર્થ વન ડે પહેલા જાણો પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ રેકોર્ડ અને હવામાનની સ્થિતિ

IND vs AUS 1st ODI Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણી રવિવારથી 19 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ પર્થ સ્ટેડિયમમાં રમાશે

Written by Ashish Goyal
October 17, 2025 14:57 IST
ભારત વિ ઓસ્ટ્રેલિયા : પર્થ વન ડે પહેલા જાણો પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ રેકોર્ડ અને હવામાનની સ્થિતિ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થશે (તસવીર - જનસત્તા)

India vs Australia 1st ODI Match, Pitch Report, Weather, Teams Squad, Venue : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણી રવિવારથી 19 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ પર્થ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બધાની નજર ભારતીય વન ડે ટીમના નવા કેપ્ટન શુભમન ગિલ પર રહેશે. સાથે જ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પુનરાગમન કરનારા રોહિત શર્મા અને વિરાટ કોહલી પર પણ ખાસ ધ્યાન રહેશે. આ મેચ પહેલા ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ આખરી વન ડે રમી હતી.

પર્થ સ્ટેડિયમની વાત કરીએ તો અહીંની પિચ દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ અને બાઉન્સી પિચ તરીકે ઓળખાય છે. આ પિચ ફાસ્ટ બોલિંગ માટે ખતરનાક સાબિત થાય છે. એટલે કે અહીં બેટ્સમેનોને મુશ્કેલી પડી શકે છે. જોકે આ મેદાન પર્થના જૂના વાકા ક્રિકેટ ગ્રાઉન્ડથી અલગ છે. ભારત અહી એક પણ વન ડે મેચ રમ્યું નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ અહી ત્રણ વન ડે રમી ચૂકી છે અને એકમાં પણ જીત મેળવી શક્યું નથી. જ્યારે 2024માં ભારતે અહીં ટેસ્ટ મેચ જીતી હતી. તો ચાલો જાણીએ આ મેચ અને આ મેદાન સાથે જોડાયેલી તમામ બાબતો વિશે.

ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચ પિચ રિપોર્ટ

પર્થના ઈતિહાસની વાત કરીએ તો વાકાની પીચ લોહીથી ખરડાયેલી હોવાનું કહેવામાં આવતું હતું. કારણ કે તે વિશ્વની સૌથી ખતરનાક, ઝડપી અને ઉછાલ ભરી સતહ હતી. પરંતુ ઓપ્ટસ સ્ટેડિયમમાં ડ્રોપ ઇન પિચનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે વાકા વાળી પિચ જ ત્યાથી લાવીને પર્થ સ્ટેડિયમમાં લગાવવામાં આવી હોવાનું કહેવાય છે. આ સતહની વાત કરીએ તો તે પણ બાઉન્સી છે અને ફાસ્ટ બોલરોને અહીં મદદ મળે છે.

અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચૂકી છે. બીજી બેટિંગ કરનારી ટીમ બે વખત જીતી ચૂકી છે. કારણ કે કહેવાય છે કે જેમ જેમ મેચ આગળ વધતી જાય છે તેમ તેમ પીચની ગતિ અને બાઉન્સ મર્યાદિત રહે છે. જેના કારણે બેટિંગ સરળ બની જાય છે. આવી સ્થિતિમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. પર્થની પિચની જે લેટેસ્ટ તસવીર સામે આવી છે તેમાં પિચ પર ઘાસ જોવા મળી રહ્યું છે. ફાસ્ટ બોલરો આ જોઈને ખુશ થઈ શકે છે.

ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચ હવામાનની સ્થિતિ

હવામાનની વાત કરીએ તો મેચના દિવસે પર્થમાં દિવસ દરમિયાન 60 ટકા અને રાત્રે 40 ટકા વરસાદ થવાની સંભાવના છે. એટલે કે આ કારણે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને ફાસ્ટ બોલરોને વધુ મદદ મળી શકે છે. આવા સમયે બેટ્સમેનોને સાવધાનીપૂર્વક રમવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં શિયાળામાં જવાનો સમય છે અને આ સમયે અવારનવાર વરસાદ પણ પડે છે. તેથી વરસાદ મેચને ખલેલ પહોંચાડી શકે છે એમ કહેવું ખોટું નહીં ગણાય.

ભારત વિ ઓસ્ટ્રેલિયા હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન ડેમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 152 મેચો રમાઈ ચૂકી છે. જેમાંથી 58માં ભારતનો વિજય થયો છે. જ્યારે કાંગારૂ ટીમ 84 મેચ જીતી ચૂકી છે. 10 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નથી. સ્પષ્ટ છે કે ઓવરઓલ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. જોકે આ મેદાનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પહેલીવાર વન-ડે મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અગાઉ અહી ત્રણ વન ડે રમી ચૂકી છે પણ પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો – વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે લેશે નિવૃત્તિ? ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો

ઓસ્ટ્રેલિયામાં ભારતના વન ડે રેકોર્ડની વાત કરીએ તો ભારત અહી કાંગારુ ટીમ સામે કુલ 54 મેચ રમ્યું છે. જેમાંથી ટીમ ઈન્ડિયા માત્ર 14 મેચ જીતી શકી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને ઘરઆંગણે 38 મેચમાં હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચેની બે મેચ અનિર્ણાયક રહી છે. ઓવરઓલ ભારત ઓસ્ટ્રેલિયામાં 99 વન ડે રમ્યું છે, જેમાંથી 40માં વિજય મેળવ્યો છે અને 53માં હારનો સામનો કરવો પડયો છે. જ્યારે બે મેચ ટાઈ થઈ છે અને ચાર મેચોમાં કોઈ પરિણામ આવ્યું નથી.

બન્ને ટીમો આ પ્રમાણે

ભારત : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.

ઓસ્ટ્રેલિયા : મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, બેન જ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ