Mohammad Shami vs Ajit Agarkar : ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી 2025ના પ્રથમ રાઉન્ડના પ્રારંભ પહેલા ભારતીય ટીમના પસંદગીકારો પર પ્રહાર કર્યો હતો. તેણે તેની ફિટનેસ અંગે સ્પષ્ટ કરી દીધું હતું કે, જો તે ફિટ ન હોત તો શું તે રણજી રમી શક્યો હોત? અજીત અગરકરે પણ આનો જવાબ આપ્યો છે. એક તરફ શમીએ પોતાને ફિટ ગણાવ્યો છે, તો અગરકર કહે છે કે શમી સંપૂર્ણ ફિટ નથી, જેના કારણે તેને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. આ રીતે એક અઠવાડિયાની અંદર બે અલગ-અલગ નિવેદનો બહાર આવ્યા છે.
હવે ફિટનેસને લઈને બંને બાજુથી અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. એક તરફ ખેલાડી પોતાને ફિટ કહી રહ્યો છે, પરંતુ બીજી તરફ સિલેક્ટરને લાગે છે કે તે ફિટ નથી. આવી સ્થિતિમાં હવે બંને વચ્ચે મીડિયામાં શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. કોણ સાચું અને કોણ ખોટું? હવે આ અંગે ચાહકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. પરંતુ શમીના શબ્દો પર નજર કરીએ તો તે આઈપીએલ 2025માં પણ રમ્યો હતો, હવે રણજી રમી રહ્યો હતો અને તે પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ રમી રહ્યો હતો.
અજિત અગરકરે શું કહ્યું?
શમીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા બાદ એનડીટીવી સમિટમાં અજીત અગરકરે કહ્યું હતું કે તે ભારત માટે એક શાનદાર પર્ફોમર રહ્યો છે. જો તેણે કંઇક કહ્યું છે તો તે મારી સાથે વાત કરશે અથવા હું તેની સાથે વાત કરીશ. મેં ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ કહ્યું હતું કે જો તે ફિટ હોત તો તેને તક મળી હોત. પરંતુ કમનસીબે તે ફિટ ન હતો. આપણી ડોમેસ્ટિક સિઝન હવે શરૂ થઈ ગઈ છે, રણજીનો પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે. એક કે બે મેચ બાદ જ સંપૂર્ણ ફિટનેસ રિપોર્ટ બહાર આવશે.
આ પણ વાંચો – Express Adda: સૂર્યકુમાર યાદવે પત્નીનો નંબર કયા નામથી કર્યો છે સેવ, કર્યો ખુલાસો
તેણે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે જો તે સારી બોલિંગ કરે છે તો અમે તેને તક કેમ ના આપીએ. પરંતુ છેલ્લા 6-8 મહિનામાં, એક વર્ષમાં કે ઓસ્ટ્રેલિયા પ્રવાસની વાત કરવામાં આવે તો અમે તેને રમાડવા માંગતા હતા અને તેને ટીમમાં રાખવા માટે અમે ખૂબ જ ઉત્સુક હતા. પરંતુ તેની ફિટનેસ તેને લાયક ન હતી. જો તે આગામી કેટલાક મહિનાઓમાં ફિટ થઈ જાય તો કહાની બદલાઈ શકે છે. પરંતુ હાલ હું કહીશ કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ ન હતો.
શમીએ પોતાને ફિટ ગણાવ્યો હતો
મોહમ્મદ શમીએ અગાઉ પોતાને ફિટ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યો હતો, આઈપીએલ રમ્યો હતો, હવે તે રણજીને રમવા આવ્યો છે, શું તે હજુ પણ ભારતીય ટીમ માટે ફિટ નથી. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમ પસંદગી પછી અગરકરના નિવેદન વિશે કહ્યું હતું કે ફિટનેસ વિશે અપડેટ આપવું અથવા જણાવવું એ મારું કામ નથી. મારું કામ એનસીએમાં જવું, તૈયારી કરવી અને મેચ રમવાનું છે. તે તેમની પસંદગી છે કે કોણ તેમને અપડેટ કરે છે અથવા કોણ નથી કરતું, તે મારી જવાબદારી નથી.
આવી સ્થિતિમાં સવાલ એ થાય કે શું ભારતીય ફાસ્ટ બોલર અંગેનો રિપોર્ટ એનસીએ દ્વારા ચીફ સિલેક્ટરને પહોંચાડવામાં આવ્યો ન હતો ?અથવા તો પસંદગીકારે પોતાનો એજન્ડા નક્કી કર્યા બાદ મોહમ્મદ શમીને પસંદ કર્યો નથી, ત્યારે તે તેનો બચાવ કરવા માટે ફિટનેસ અંગે ખોટું નિવેદન આપીને તેનો સહારો લઈ રહ્યો છે. હજુ સુધી કંઈપણ સ્પષ્ટ નથી. જે સત્ય છે તે હાલ ઉઠાવવામાં આવ્યું નથી. પરંતુ તેની સામે જે સત્ય છે તે એ છે કે મોહમ્મદ શમી હાલ ક્રિકેટના મેદાન પર છે અને રણજી ટ્રોફી 2025 ના પ્રથમ રાઉન્ડમાં બંગાળ માટે રમી રહ્યો છે.